Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

ભરૂચમાં બિલ્‍ડરનાં ઘરેથી ચોરો કરોડપતિ થઈ નિકળ્‍યા ! : બિલ્‍ડર કન્‍સ્‍ટ્રક્‍શનનાં કામે લાવેલ 1 કરોડ રોકડની ચોરોએ ઉઠાંતરી કરી

બિલ્‍ડર પરીવાર સાથે કુળદેવીનાં દર્શને ગયા ત્‍યારે તકનો લાભ લઈ ચોરોએ ઘરમાં હાથફેરો કર્યો : બનાવમાં કોઈ જાણભેદુ હોવાની શંકા

ભરૂચઃ ભરૂચના એક બિલ્‍ડર તેના પરીવાર સાથે કુળદેવીનાં મંદિરે દર્શન માટે ગયા હતા. ત્‍યારે તકનો લાભ લઈ અમુક ચોરો ઘરનો મુખ્‍ય દરવાજો તોડી ઘરમા પ્રવેશયા હતા અને તિજોરીમા રહેલ 1 કરોડ 3 લાખની રોકડ રકમ લઈ રફુચક્કર થઈ ગયા હતા. ત્‍યારે બિલ્‍ડર કુળદેવીનાં દર્શન કરી પરત ફરતા તેને ઘરમા ચોરી થયાનુ જણાતા તાત્‍કાલીક પોલીસને જાણ કરી હતી. આટલી મોટી રકમની ચોરી સામે આવતા પોલીસ અધિકારીઓ ઘટનાસ્‍થળે દોડી ગયા હતા.

કોઈ ધનવાન કે અમીર પરિવારમાં ચોરી થાય તો ચોરને બહુ બહુ તો કેટલા રૂપિયા મળે તે વિચાર કરો. કદાચ લાખેક રૂપિયા રોકડા મળે. પરંતુ ભરૂચના એક બિલ્ડરના ઘરે ચોરી થતા ચોર ટોળકીના હાથમાં 1 કરોડ રૂપિયા રોકડા હાથ લાગ્યા હતા. ચોર ટોળકી આ રૂપિયા લઈને ફરાર થઈ ગઈ હતી. ભરૂચમાં બિલ્ડર અને તેમનો પરિવાર કુળદેવીનાં દર્શને ગયો અને તસ્કરોએ ઘરમાં તિજોરીમાં મૂકેલા રૂપિયા 1 કરોડ 3 લાખની ચોરી કરી હતી. ત્યારે ભરૂચમાં આ ચોરી ટોકિંગ પોઈન્ટ બની છે.

બન્યુ એમ હતુ કે, ભરૂચના જાણીતા બિલ્ડર ધર્મેશ દિનેશચંદ્ર તાપિયાવાલાનો પરિવાર 12 જૂનના રોજ કુળદેવીના દર્શને ગયો હતો. આખો પરિવાર મોઢેશ્વરી માતાના દર્શને ગય હતો અને 14 જૂને પરત ફર્યો હતો. પરિવારે આવીને જોયુ તો ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો હતો. ઘરમાં તમામ સામાન વેરવિખેર પડ્યો હતો. જેથી તેઓએ તપાસ કરતા જાણ્યુ કે, ઘરમાં મૂકેલા 1 કરોડ 3 લાખ રૂપિયા રોકડા ગાયબ હતા.

ત્યારે ધર્મેશ તાપિયાવાલાએ આ વિશે પોલીસને જાણ કરી હતી. બનાવ સંદર્ભે ભરૂચ શહેર સી - ડિવિઝન પોલીસ સ્ટેશને 1 કરોડ 3 લાખ રૂપિયાની ચોરીના મામલાનો ગુનો નોંધવામાં આવ્યો. ધર્મેશ તાપિયાવાલાએ પોલીસને જણાવ્યુ કે, તેમણે કન્સ્ટ્રક્શનના કામ અર્થે લાવેલા 1 કરોડ 30 લાખ રૂપિયા રોકડા ઘરમા મૂક્યા હતા. આ રોકડા 500, 200, 100 રૂપિયાની ચલણી નોટમાં હતા. જે ઘરમાંથી ગાયબ છે.

પોલીસે તપાસ કરતા જોયુ કે, ઘરમાં પ્રવેશ કરવા માટે તસ્કરોએ પ્રથમ જાળીવાળા દરવાજાનો નકુચો કોઇ સાધન વડે કાઢી નાખી મુખ્ય દરવાજાનો લોક તથા ઈન્ટર લોક તોડી ઘરની અંદર પ્રવેશ કર્યો હતો. આ મામલે સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સની મદદ લઈને ચોર સુધી પહોંચવાનો પ્રયાસ કરવામા આવશે. આટલી મોટી રકમની ચોરી સામે આવતાં પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. જોકે, આ ચોરી પાછળ કોઈ જાણભેદુ હોવાનું કહેવાય છે.

(5:19 pm IST)