Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

હિટ એન્ડ રન:ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગ પર સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં યુવાનનું કમકમાટીભર્યું મોત

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગો ઉપર અકસ્માતોની ઘટના વધી રહી છે ત્યારે અડાલજના બટરફ્લાય બ્રીજ ઉપર હીટ એન્ડ રનની ઘટનામાં યુવાનનું મોત નિપજ્યું છે પોલીસે ફરાર થઇ ગયેલા વાહનચાલકની શોધખોળ આદરી છે અને મૃતક યુવાનની ઓળખ માટે પણ મથામણ શરૃ કરી છે.

ગાંધીનગરમાં છેલ્લા થોડા સમયથી અકસ્માતોના બનાવોની સાથે હિટ એન્ડ રનની ઘટનાઓ પણ વધી રહી છે. અકસ્માત સર્જીને વાહનચાલકો ફરાર થઇ રહ્યા છે ત્યારે ગઇકાલે બપોરના સમયે ગાંધીનગર સરખેજ હાઇવે ઉપર અડાલજ ખાતે આવેલા બટરફ્લાય બ્રીજ ઉપર ચાલતા જઇ રહેલા યુવાનને અડફેટે લઇને એક વાહનચાકલ ફરાર થઇ ગયો હતો ગંભીરરીતે ઘવાયેલા આ યુવાનનું સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું અકસ્માત વખતે આ જ સમયે ત્યાંથી પસાર થતા રીક્ષાચાલકે યુવાનને રોડ ઉપર પડેલો જોઇને અડાલજ પોલીસને જાણ કરી હતી અને પોલીસ સ્થળ ઉપર પહોંચી ત્યારે આ યુવાન મૃત હાલતમાં જણાઇ આવ્યો હતો.૩૦થી ૩૫ વર્ષના અરસાના આ યુવાનની ઓળખ માટે પણ પોલીસે મથામણ શરૃ કરી છે નોંધવું રહેશે કે, જિલ્લામાં હિટ એન્ડ રનની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો છે પરંતુ અકસ્માત સર્જીને ફરાર થઇ જતા વાહનચાલકો પકડાતા નથી.

(6:26 pm IST)