Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

વડોદરા:અમદાવાદના ઘાટલોડિયામાં રહેતા વેપારી સાથે 2 કરોડની ઠગાઇમાં શખ્સની જામીનની અરજી અદાલતે નામંજૂર કરી

વડોદરા: અમદાવાદના ઘાટલોડિયામાં રહેતા વેપારી સાથે 2 કરોડ 81 લાખની ઠગાઇના કેસમાં સંડોવાયેલ ભરૂચના જીતેન્દ્રકુમાર જૈનની આગોતરા જામીન અરજી નામંજુર કરવાનો અદાલતે હુકમ કર્યો હતો.

ગત એપ્રિલ મહિના વડોદરા શહેર ક્રાઇમ બ્રાંચમાં અમદાવાદના ઘાટલોડિયામાં રહેતા વેપારી નુપલ નરેન્દ્રભાઇ શાહે આરોપી રણુભાઇ ભીખાભાઇ ભરવાડ, રાજગુરૂ રાધેબાપુ, જીતેન્દ્ર ઉર્ફે પપ્પુ જૈન, મનોજ સજ્જનરાવ નિકમ, રૂપનેર રામા રાવ, જી.વી.સુધીંદ્ર, અને વિજય રણુભાઇ ભરવાડ સામે ઠગાઇની ફરિયાદ નોંધાવી હતી કે, રણુ ભરવાડ સહિતના આરોપીઓએ સપ્ટેમ્બર 2020થી ફેબ્રુઆરી 2021 સુધીના સમયગાળામા મૂડી રોકાણ સહિતના બહાના બનાવી નુપલ શાહના ખાતામાંથી આર. ટી.જી.એસ/એન.ઇ.એફ.ટી દ્વારા કુલ 2 કરોડ 81 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. વેપારીએ રૂપિયા પરત માંગતા તેમને એક્સિસ બેંકના પેમેન્ટ બુકિંગ ટ્રેકિંગ રિસિપ્ટ તથા રેમિટન્સને લગતા ડોક્યુમેન્ટ તથા થાઇબેવરેજીસ કંપનીનો ખોટો લેટરપેડ આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર.ખેરની ટીમે આ ગુનાની તપાસ દરમ્યાન સુરેશ ભરવાડની ધરપકડ સાથે  મુખ્ય આરોપી રણુ ભરવાડે ઠગાઇનો ગુનો કરવા માટે ઉપયોગ લીધેલી ત્રણ કાર જપ્ત કરી હતી. દરમિયાન આ ગુનામાં સંડોવાયેલા જીતેન્દ્રકુમાર જૈને અત્રેની સેશન્સ અદાલતમાં પોલીસ ધરપકડથી બચવા પોતાની આગોતરા જામીન અરજી રજૂ કરી હતી. જે અરજની સુનાવણી હાથ ધરાતા અદાલતે નોધ્યું હતું કે, અરજદાર આરોપી સહિત સહુ આરોપીઓએ સરકારી બનાવટી દસ્તાવેજો ઊભા કર્યા છે. ગુનાની રકમ વસૂલાત બાકી છે. તપાસ અધિકારીનું સોગંદનામું અને પુરાવા જોતા આરોપીની પ્રથમ દર્શનીય સંડોવણી સપાટી પર આવે છે.

(6:30 pm IST)