Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

વડોદરાના ગોરવા વિસ્તારમાં ઢોર પકડવા ગયેલ પાલિકાની ટિમ પર ગોપાલકોએ જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ

વડોદરા:શહેરના ગોરવા વિસ્તારમાં ઢોર પકડવાની કામગીરી દરમિયાન પોલીસની હાજરીમાં ગોપાલકોએ કર્મચારીઓને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી પકડેલી ગાય છોડાવી સરકારી વાહનને પણ નુકસાન  પહોંચાડયુ હોવાનો બનાવ સામે આવ્યો છે. ફરિયાદના આધારે ગોરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા કોર્પોરેશનની ઢોર પાર્ટીમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી કરતા કર્મચારી અરુણ દેવરેએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, ગઈકાલે કોર્પોરેશન દ્વારા ગોરવા વિસ્તારમાં લોકોની સલામતી માટે રખડતા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન નંદેશરી અને ગોરવા પોલીસ મથકનો સ્ટાફ બંદોબસ્તમાં હાજર હતો. દરમિયાન ધરમપુરા ગામ પાસે રખડતી ગાય કોર્પોરેશનને પકડી હતી. તે સમયે એક્ટિવા સવાર બે ગોપાલકો ઘસી આવ્યા હતા. અને અમારી ગાયને છોડી દો તેમ કહી અપશબ્દો બોલી ઝપાઝપી કરી હતી. અને કેવી રીતે અહીંથી ગાયને લઈ જાવો છો તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દરમિયાન બળજબરી કરી ગાયને છોડાવી ગયા હતા તેમજ સરકારી વાહનને પણ નુકસાન પહોંચાડ્યું હતું. બનાવ અંગેની જાણ પોલીસ કંટ્રોલને કરતા બન્ને ગોપાકો સ્થળ પર પોતાનું એકટીવા મૂકી નાસી છૂટયા હતા.

(6:30 pm IST)