Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

વડોદરાના આજવા રોડ વિસ્તારમાં મોડેલિંગ કરતી માતાએ પુત્રી પર ચપ્પુથી જીવલેણ હુમલો કરતા ચકચાર મચી જવા પામ્યો

વડોદરા:મોડેલિંગ ઉપરાંત વેબ સિરિઝમાં એક્ટ્રેસ તરીકે કામ કરતી મહિલાને શંકા હતી કે,તેના પ્રેમી સાથે તેની પુત્રીને પણ સંબંધ છે.તેના કારણે અવાર-નવાર માતા અને પુત્રી વચ્ચે ઝઘડો થતો હતો.આજે બપોરે ઘરકામ બાબતે થયેલા  ઝઘડામાં આવેશમાં આવેલી માતાએ પુત્રી પર ચાકૂના ઉપરાછાપરી ૨૦ થી વધુ ઘા ઝીંકી  દીધા હતા.જેને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુુજબ,આજવારોડ વિસ્તારમાં રહેતી ૩૯ વર્ષની મહિલા મોડેલિંગ અને  એક્ટ્રેસ તરીકે વેબ સિરિઝમાં કામ કરે છે.વર્ષ-૨૦૧૩ માં તેના છૂટાછેડા થયા હતા.અને પુત્રી સાથે તે રહેતી  હતી.બે વર્ષ પહેલા મહિલાનો  પરિચય ૩૬ વર્ષના એક યુવક સાથે સોશિયલ મીડિયા મારફતે થયો હતો.થોડા સમય પહેલા મહિલા તેની  પુત્રી સાથે પોતાના પ્રેમી જોડે રાજસ્થાન ફરવા ગઇ હતી. દરમિયાન,તેની માતાને શંકા ગઇ હતી કે,તેની પુત્રીને પણ ૩૬ વર્ષના યુવક સાથે સંબંધ છે.તે બાબતે અવાર-નવાર માતા  પુત્રી વચ્ચે તકરાર થતી હતી.છેલ્લા અઢી મહિનાથી માતા-પુત્રી વચ્ચે ઘરકામ બાબતે પણ ઉગ્ર ઝઘડા થતા હતા.આજે બપોરે માતા શાકભાજી સમારતી હતી.તે દરમિયાન પુત્રી સાથે ઘરકામ બાબતે ઝઘડો થતા તે ઉશ્કેરાઇ ગઇ હતી.અને આવેશમાં આવીને તેણે પુત્રી પર ચાકૂના ઉપરાછાપરી ૨૦ ઘા ઝીંકી દીધા હતા.થોડીવાર પછી મહિલાને ભૂલ સમજાતા તેણે જાતે જ એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવી હતી.અને પુત્રીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ ગઇ હતી.જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.આ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:31 pm IST)