Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

૭.૭૦ કરોડનો ખર્ચ કરીને ભાજપ સરકારે સી-પ્લેનના નામે જનતાને ગેરમાર્ગે દોર્યા : ચૂંટણી સમયે એક જ યોજના ને વારંવાર અમલમાં મૂકીને ભાજપના લોકો જનતાની આંખમાં ધૂળ નાખી રહ્યા છે : મોદીજી ના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે પ્રખ્યાત સી-પ્લેનની સેવા આજે ઠપ થઈ ગઈ છે : છેલ્લા 10 વર્ષમાં ચોથી વખત ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે : ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરીના ભાજપ સરકાર સામે પ્રહારો

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી એ એક મહત્વના મુદ્દા પર વાત કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ સી-પ્લેન જેમાં  સરળતાથી અમદાવાદથી કેવડિયા પહોંચવા માટે લોન્ચ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ ઑક્ટોબર 2020માં શરૂ કરવામાં આવ્યો હતો અને એપ્રિલ 2021થી આ પ્રોજેક્ટ હવે ઠપ થઈ ગયો છે. એવું લાગે છે કે સરકારને હવે સી-પ્લેન ચલાવવા નું મન થતું નથી. જો કે આ લોકો હવે કહે છે કે સી-પ્લેન બગડી ગયું છે અને તેને મેઇન્ટેનન્સ માટે મોકલવામાં આવ્યું છે, પરંતુ ચૂંટણી સમયે તેને ફરી શરૂ કરવામાં આવશે. ભાજપા વાળા આજ તો કરે છે, ચૂંટણી સમયે પોતાની યોજનાનો વારંવાર અમલ કરીને જનતાની આંખમાં ધૂળ નાખવાનું કામ કરે છે.

ગુજરાત સરકારે બજેટ સત્રમાં જણાવ્યું હતું કે તેણે 7 કરોડ 70 લાખ રૂપિયા ખર્ચીને સી પ્લેનની સેવા શરૂ કરી છે. પરંતુ આજે ભાજપના લોકોએ આ પૈસાને માટીમાં ભેળવી દીધા છે. ભાજપ જનતાના પૈસા વેડફવામાં માહેર છે.

આદરણીય વડાપ્રધાન મોદી જી એ જનતા માટે 7 કરોડ 70 લાખ રૂપિયા ખર્ચીને આ સી-પ્લેન સેવા ખૂબ જ ઉત્સાહથી શરૂ કરી હતી, તો આજે અમે તેમને વિનંતી કરીએ છીએ કે તે જ ઉત્સાહ સાથે જનતા માટે સી પ્લેનની સેવા શરૂ કરો. તો લોકો સરળતાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જઈ શકે.

આજે લોકો શોધી રહ્યા છે કે સી પ્લેન ક્યાં છે પરંતુ કોઈને કંઈ ખબર નથી. છતાંય દરેક ચૂંટણીની જેમ આ ચૂંટણીમાં પણ રિવરફ્રન્ટ પર સી પ્લેન ની વાત થશે. ફરીથી પ્લેનનું ઉદ્ઘાટન થશે, ત્યારબાદ નરેન્દ્ર મોદીજી તેમાં મુસાફરી કરશે પરંતુ તે પછી તે સી પ્લેન ગાયબ થઈ જશે. ગુજરાત સરકારના આવા આયોજનહીન કાર્યો ને કારણે લોકોના કરોડો રૂપિયા વેડફાય છે.

આ સિવાય રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીએ રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ રેસ્ટોરન્ટ અને ક્રૂસ લાવવાની વાત કરી છે. જોકે, છેલ્લા 10 વર્ષમાં ચોથી વખત ફ્લોટિંગ રેસ્ટોરન્ટ લાવવાની વાત ચાલી રહી છે. અગાઉ 2012, 2019, 2021માં ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ કરવાની વાત થઈ હતી અને આ વર્ષે પણ તે જ વાતનું પુનરાવર્તન થઈ રહ્યું છે. પરંતુ ગુજરાત સરકારનું અત્યાર સુધીનું કામ ઘણું નિરાશાજનક રહ્યું છે, તેના પરથી કહી શકીએ કે આ વર્ષે પણ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ થવાની શક્યતાઓ ઓછી જણાઈ રહી છે.

રિવરફ્રન્ટ પર અત્યાર સુધી ઘણી બધી સેવાઓની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ તમામ સેવા આજે બંધ કરી દેવામાં આવી છે. સી-પ્લેન ઉપરાંત ફ્લોટિંગ રેસ્ટોરન્ટ, ઝિપલાઈન, જોયરાઈડ (હેલિકોપ્ટર સેવા), લંડન આઈ, મૂવિંગ ટાવર, એમ્ફિબિયસ બસ જેવી અનેક યોજનાઓનું વારંવાર વચન આપવામાં આવ્યું છે પરંતુ આજે પણ જનતા આ બધી સેવાઓ માટે તરસી રહી છે.

એક સમય હતો જ્યારે એક જ યોજનાનું વારંવાર ઉદ્ઘાટન કરીને જનતાને ગેરમાર્ગે દોરવામાં આવતી હતી. હવેથી આવું નહીં થાય કારણ કે હવે ભાજપ સરકારના આ તમામ કાર્યોને જનતાની સામે લાવવા માટે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પૂરા જોશ સાથે સક્રિય છે. અમે સરકારને અપીલ કરીએ છીએ કે જનતાના પૈસાથી જનતાની સેવા માટે શરૂ કરાયેલી સી-પ્લેન યોજના વહેલી તકે પાછી શરૂ કરવામાં આવે.

(7:37 pm IST)