Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

નર્મદા : ચોમાસાની ઋતુ દરમિયાન વિજળી અંગેની જરૂરી જાણકારી સાથે પ્રજાજનોને સતર્ક રહેવા જાહેર અપીલ

 (ભરત શાહ દ્વારા) રાજપીપળા :  હાલમાં વર્ષાઋતુમાં નર્મદા  જિલ્લામાં વિજળી પડવાને કારણે માનવ મૃત્યુના બનાવ બનવા પામેલ છે.  આ અંગે આકાશી વિજળીથી અંગેની  જરૂરી જાણકારી મેળવવાની સાથોસાથ પ્રજાજનોને તેમનું જીવન  સુરક્ષિત બનાવવા માટે નર્મદા  જિલ્લા પ્રસાશન તરફથી આવા સમયે રાખવાની થતી સાવચેતી સાથે લોકોને સતર્ક રહેવા જાહેર અપીલ કરાઇ છે.
તદ્અનુસાર આકાશીય વિજળી સમયે ઘરની અંદર હોવ ત્યારે વિજળીથી ચાલતા ઉપકરણોથી દુર રહેવું, તારથી ચાલતા ફોનનો ઉપયોગ ન કરવો,  બારી-બારણા અને છતથી દુર રહેવું, વિજળીના વાહક બને તેવી કોઇપણ ચીજવસ્તુથી દુર રહેવું, ધાતુથી બનેલા પાઈપ, નળ, ફુવારો, વોશબેસીન વગેરેના સંપર્કથી દુર રહેવું. આકાશીય વિજળી સમયે જો ઘરની બહાર હોવ તો ઊંચા વૃક્ષો વિજળીને આકર્ષે છે, જેથી તેનો આશરો લેવાનું ટાળવું તથા પશુઓને ઊંચા વૃક્ષો નીચે બાંધવાનું ટાળવું, આસપાસ ઊંચા માળખા ધરાવતા વિસ્તારમાં આશરો લેવાનું ટાળવું, ટોળામાં રહેવાને બદલે છૂટાછવાયા વિખરાઈ જવું, મકાનો આશ્રય માટે ઉત્તમ ગણાય, આથી મજબૂત છત વાળા મકાનમાં આશ્રય મેળવવો, મુસાફરી કરતા હોવ તો વાહનમાં જ રહો, મજબૂત છતવાળા વાહનમાં રહો, પાણી વિજળીને આકર્ષે છે, તેથી પુલ, તળાવો અને જળાશયોથી દુર રહો, પાણીમાં હોવ તો બહાર આવી જાવ, ધાતુની વસ્તુઓ જેવી કે બાઈક, ઈલેક્ટ્રીક કે ટેલીફોનના થાંભલા, તારની વાડ, મશીનરી વગેરેથી દૂર રહો.
વિજળી/ઈલેકટ્રીકથી શોક લાગ્યા પછી. લાકડા જેવી અવાહક વસ્તુ વડે ર્શાક લાગનાર વ્યકિતને વીજપ્રવાહથી દૂર ખસેડી દેવા, મેઈન સ્વીચ બંધ કરીને વીજપ્રવાહ બંધ કરી દેવો, કરંટ લાગનાર વ્યકિત દાજી ગયેલ હોય તો ઠંડું પાણી રેડવું, કરંટ લાગનાર વ્યકિતના શ્વાસોશ્વાસ તપાસી સીધા ર્ડાકટરને જાણ કરવી, દાજેલા ભાગ ઉપર ચોંટી ગયેલ કપડાંને ઉખાળવું નહી, આકાશીય વિજળીનો ઝટકો લાગે ત્યારે વિજળીનો આંચકો લાગેલ વ્યક્તિને જરૂર જણાય તો સીપીઆર એટલે કે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવો જોઈએ અને તાત્કાલિક પ્રાથમિક તબીબી સારવાર  આપવી જોઇએ.

(11:07 pm IST)