Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

ગુજરાતનો દરિયો ગાંડોતુર :વલસાડ જિલ્લાના 70 કિ.મીના દરિયામાં મોટી ભરતી આવતા 10 ફૂટ સુધીના મોજા ઉછળ્યા

જાફરાબાદ, શિયાળ બેટ, રાજુલા પીપવાવ પોર્ટ, તિથલ તથા દ્વારકા સહિતના દરિયામાં કરંટ : હંગામી પ્રોટેક્શન વોલનું ધોવાણ

અમદાવાદ : રાજ્યમાં ચોમાસાના આગમનને લઈને ગુજરાતનો દરિયો ગાંડોતુર બન્યો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે જાફરાબાદ, શિયાળ બેટ, રાજુલા પીપવાવ પોર્ટ, તિથલ તથા દ્વારકા સહિતના શહેરોમાં દરિયો ગાંડોતૂર બન્યો છે. વલસાડ જિલ્લાના 70 કિ.મીના દરિયામાં મોટી ભરતી આવતા દરિયામાં 10 ફૂટ સુધીના મોજા ઉછળયા હતા. આ ઉપરાંત વલસાડના દરિયામાં આવેલી ભરતીને પગલે માછીમારોની ઘરવખરી પણ તણાઇ હોવાનું સામે આવ્યું છે

વલસાડ જિલ્લાના 70 કિ.મીના દરિયામાં મોટી ભરતી આવી રહી છે. દરિયાના પાણીએ અનેક જગ્યાએ કિનારા વટાવ્યા હોવાનું સામે આવ્યું છે. મોટી ભરતીને લઈને નારગોલના દરિયાકિનારે માછીવાડમાં પાણી ઘૂસ્યા હતા. સ્થાનિક લોકોના ઘરમાં પાણી ઘૂસતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. મહત્વનું છે કે દરિયાના પાણી ન ઘૂસે તે લોકોએ શ્રમદાન કરીને  પ્રોટેક્શન વોલ બનાવી હતી. જે પણ દરિયાના મોજાની થપાટે ધોવાઇ ગઈ હતી. પાણી ઘૂસતા માછીમારોની ઘરવખરી દરિયાના પાણીમાં તણાઇ ગઈ હતી. નોંધનિય  છે કે, 3 દિવસથી ભરતી આવી રહી છે જે હજુ પણ બે દિવાસ ચાલે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. 

બીજી તરફ અમરેલી-જાફરાબાદના શિયાળ બેટ, રાજુલા પીપવાવ પોર્ટમા દરિયામાં પણ તીવ્ર કરંટ જોવા મળ્યો હતો. દરિયાના કિનારેથી મોજા ઉછળતા પાણી છેક જાફરાબાદના રોડ સુધી પહોંચ્યા હતા. દરિયામાં 8 થી 10 ફૂટના મોજા ઊછળી રહ્યા હોવાના દ્રશ્યો સર્જાયા હતા. જેને પગલે પ્રવાસીઓની સુરક્ષા માંટે તંત્ર દ્વારા સાવચેતી રાખવા અંગે સૂચન કરાયા છે.

(12:16 am IST)