Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

ભારતીય સંસ્કૃતિ ત્યાગની સંસ્કૃતિ છે ભોગની નહી, અનુરાગની છે રાગની નહી, આધ્યાત્મિક્તાની છે પણ ભૌતિકવાદની નથી : શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી

અમદાવાદ તા.૧૫ કોરોના મહામારી અને લોકડાઉનને કારણે SGVP ગુરુકુલમાં શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં માસ્ક, સેનેટાઇઝર અને સોશ્યલ ડિસ્ટન્સ સાથે માત્ર સંસ્થામાં રહેતા સંતોની હાજરીમાં ૭૪ મું ૧૫ ઓગષ્ટનું આઝાદી પર્વ સાદાઇથી ઉજવાયું

આ પ્રસંગે સ્વામીજીએ જણાવ્યું હતું કે, આદરણીય કવીશ્વર રવિન્દ્રનાથ ટાગોરે રચેલા રાષ્ટ્રગીતમાં જન મન ગન અધિનાયક અને ભારત ભાગ્ય વિધાતા શબ્દો આવે છે. આજે આ શબ્દો કોના માટે વપરાયા છે એ વિષે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. અમારી દ્રષ્ટિએ વિશાળ ભારતીય જનસમુહના અધિનાયક અને ભાગ્યવિધાતા ભગવાન રામ અને ભગવાન ક્રુષ્ણ છે. જેઓ હજારો વર્ષથી ભારતીયોના હ્રદયમાં રહીને શાસન કરે છે. ભારતના મહાન ઋષિઓ ભારતના ભાગ્યવિધાતાઓ છે. જેઓએ આપણને જીવનની સાચી દિશા આપી છે. આ ભારતીય મહાપુરુષો સિવાય ભારતવર્ષ ઉપર આક્રમણ કરનારા કોઈ ભારત ભાગ્યવિધાતા ન હોઈ શકે.

આ પ્રસંગે સ્વામીએ ભારતના પ્રજાજનોના અધિનાયક રુપે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુ તથા નહેરુજી વગેરેને યાદ કર્યા હતા.

આ પ્રસંગે સ્વામીએ વીર શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ભારતીય સંસ્કૃતિ કેવળ સંપત્તિને નમન કરતી નથી, સંપત્તિના સદ્ઉપયોગને નમન કરે છે. ભારતીય સંસ્કૃતિ શીખવે છે કે પ્રામાણિકતાથી મેળવવું અને વહેંચીને ભોગવવું.

ભારતીય સંસ્કૃતિ આધ્યાત્મિક સંસ્કૃતિ છે પણ ભૌતિકવાદની નથી. આઝાદી તો મળી ગઈ, પણ રામરાજ્યની સ્થાપના બાકી છે. જ્યારે ભારતીય સમાજમાં કોઈ પણ દિન, હિન, કંગાલ, વ્યસની, ભ્રષ્ટાચારી નહીં હોય. જ્યારે ભારતીય પ્રજાના ઘરે ઘરે ઇશ્વરની આરાધના થતી હશે, જ્યારે ભારતીય પ્રજા નાત-જાત અને પંથોના ભેદભાવ ભૂલીને સમરસતાને પૂજતી થશે ત્યારે રામરાજ્ય આવ્યું ગણાશે.

તાજેતરમાં અયોધ્યા ખાતે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ભગવાન રામની જન્મભૂમિ ઉપર શિલાપૂજન કર્યુ. એ શિલાપૂજન રામરાજ્યની સ્થાપનાનું શિલાપૂજન હતું.

આપણી નવી પેઢીમાં નાનપણથી સંસ્કારોનું સિંચન થશે તો જ રામરાજ્યની સ્થાપનાનું સ્પપ્ન સાકાર થશે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે ગુરુકુલની સ્થાપના આટલા માટે જ કરી છે.

આ પ્રસંગે SGVP  ઇન્ટરનેશનલ એજ્યુકેશનલ રિલેશન્સના એક્ઝ્યુક્યુટીવ ડાયરેક્ટર રવિભાઇ ત્રિવેદી ઉપસ્થિત રહયા હતા.

(12:49 pm IST)