Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

રાજપીપલા પોલીસ સ્ટેશનથી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવતા નાયબ પોલીસ અધિક્ષક ચેતનાબેન ચૌધરી

રાષ્ટ્રની સૌથી મોટી તાકાત એ દેશની એકતા છે અને તેનો પરિચય આપ્યો રાજપીપલા નગરમાં ૨૫૦ જવાનોની તિરંગા યાત્રાએ: ખાખીની શાન અને તિરંગાના સન્માનને જાળવી પોલીસ જવાનોની ભવ્ય તિરંગા યાત્રાએ નગરમાં જમાવ્યું અનેરુ આકર્ષણ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થયા છે, જેના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર તિરંગા” નુ રાષ્ટ્રવ્યાપી અભિયાન હાથ ધરાયું છે. જેને અનુલક્ષીને આજે રાજપીપલા નગરમાં નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક ચેતનાબેન ચૌધરીના નેતૃત્વ હેઠળ અંદાજે ૨૫૦ થી વધુ પોલીસ જવાનો તિરંગા યાત્રામાં જોડાઈને નગરવાસીઓને દેશભક્તિનો એક અનોખા અંદાજથી પરિચિત કરાવ્યાં હતાં. ખાખીની શાન અને તિરંગાના સન્માન જાળવવા સાથેની પોલીસ જવાનોની આ ભવ્ય તિરંગા યાત્રાએ નગરમાં અનેરુ આકર્ષણ જમાવ્યું હતું.  

“હર ઘર તિરંગા” અભિયાનને સફળ બનાવવા જિલ્લાના બાળકો-મહિલાઓ, યુવાનો સહિત દરેક ક્ષેત્ર સાથે સંકળાયેલા મહાનુભાવોએ ઉત્સાહ બતાવ્યો છે. પોલીસ વિભાગ દ્વારા પ્રારંભાયેલી આજની આ વિશાળ રેલીમાં રાજપીપલા સહિત તમામ તાલુકાઓમાંથી ટ્રાફિક પોલીસના ૧૨૦ જવાનો, પોલીસના ૫૦ જવાનો, હોમગાર્ડ અને જીઆરડીના ૩૦-૩૦ જવાનોની એકતા અને અનુસાશનના અનોખા અંદાજ જોઈને  નગર વાસીઓ મંત્રમુગ્ધ થયા હતાં. સૌ નગરવાસીઓ જાણે દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા હોય તેવો નજારો જોવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજપીપલાના ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર જે.કે.પટેલના આયોજનના ભાગરૂપે વિશાળ રેલી નિકળી હતી અને તેમાં જવાનોની ‘ઇનથ્રી્ઝ’ માં બેમિશાલ અનુસાશન જોવા મળ્યું હતું.
વિશાળ તિરંગા યાત્રાના આયોજનકર્તા રાજપીપલા પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટર જે.કે.પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, દેશની આઝાદીના ૭૫ વર્ષને અનુલક્ષીને રાજપીપલા પોલીસ મથકથી પ્રારંભાયેલી આ તિરંગા યાત્રા સફેદ ટાવર, કોર્ટ ત્રણ રસ્તા થઇ ત્યાંથી વળીને પુન: સફેદ ટાવર થઈને વિજયચોક સર્કલ તરફ પહોંચી હતી. જ્યાં જવાનોને તિરંગા લહેરાવતા જોઈ સ્થાનિકોમાં દેશભક્તિની લહેર દોડી ગઈ હતી. આ તિરંગા યાત્રાનો હેતુ લોકોમાં રાષ્ટ્રપ્રેમ અને એકતાની ભાવના જાગૃત કરવાનો હતો.
  રાષ્ટ્રની સૌથી મોટી તાકાત એ દેશની એકતા છે અને આ એકતાનો પરિચય આજે પોલીસ વિભાગ સાથે સંકળાયેલા દરેક જવાને હાથમાં તિરંગો લઈને નગર વાસીઓને આપ્યો છે. જવાનોની આ વિશાળ રેલીને સ્થાનિક રહેવાસીઓએ પોતાના મકાનોની ગેલેરીમાંથી તેમજ યાત્રાના રૂટના દુકાનદારોએ પણ ઉત્સાહભેર નિહાળી યાત્રાને વધાવી હતી. આમ હર ઘર તિરંગા અભ્યાન અંતર્ગત યોજાઇ રહેલા વિવિધ કાર્યક્રમો થકી રાજપીપલા નગરમાં ફરી એકવાર દેશની આઝાદી જેવો માહોલ જોવા મળ્યો હતો.

 

(10:59 pm IST)