Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

વડોદરાની પરિણીતા પર દહેજ મામલે ત્રાસ ગુજરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર આંકલાવના સાસરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ

આણંદ : વડોદરાની પરિણીતાને પતિ સહિતના સાસરીયાઓએ બાળક ન હોય તેમજ દહેજ મામલે બિભત્સ અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી તેમજ પતિ દ્વારા  અગાઉ પણ લગ્ન કરેલ હોઈ તે હકીકત છુપાવી પરિણીતા ઉપર શારિરીક તથા માનસિક ત્રાસ ગુજાર્યો હોવાની ફરીયાદ આંકલાવ પોલીસ મથકે નોંધાઈ છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આંકલાવ ખાતે શારદા સોસાયટીમાં રહેતા કાંતિલાલ શીવશંકર મહેતાની દિકરી બિંદુબેનના લગ્ન આજથી આઠેક વર્ષ અગાઉ વડોદરા ખાતે સુભાનપુરામાં રહેતા તુષાર રાજેન્દ્રભાઈ પંડયા સાથે જ્ઞાાતિના રિતરીવાજ મુજબ થયા હતા. તુષારભાઈ કર્મકાંડનો વ્યવસાય કરે છે. જો કે લગ્નજીવન દરમ્યાન નજીકમાં રહેતા કાકા-સસરાના દીકરા સમીરભાઈ તથા પ્રતીકભાઈ અને નણંદ સોનલબેન તેમજ તેઓના પતિ પીનાકીનભાઈ પંડયા અવારનવાર તુષારભાઈના ઘરે આવી કોઈપણ કારણ વગર પતિ તેમજ સાસુને બિંદુબેન વિરુધ્ધ ચઢવણી કરતા હતા. જેથી પતિ બિંદુબેન સાથે ઝઘડો કરી મારઝૂડ કરતા હતા. જો કે સમાજમાં પરિવારનો મોભો જળવાઈ રહે તે માટે બિંદુબેન મૂંગા મોઢે ત્રાસ સહન કરતા હતા. વધુમાં ફરીયાદમાં જણાવ્યા મુજબ પતિ તુષારના અગાઉ રણુ ગામની એક યુવતી સાથે લગ્ન થયા હતા. જો કે નજીવી બાબતે ઝઘડા થતા ફક્ત વીસ જ દિવસમાં છૂટાછેડા થઈ ગયા હતા. આ બાબત તેઓએ લગ્ન પહેલા અમોથી છુપાવી હતી. દરમ્યાન ગત અઠવાડીયે સામાન્ય બોલાચાલી દરમ્યાન સાસુ કૈલાસબેન તથા નણંદ સોનલબેને તું તો વાંઝણી છે તારા બાપાના ઘરેથી કંઈ જ લાવી નથી, અમારે તને રાખવી નથી, તુષારને ફરી પરણાવી દઈશું તેમ કહી પતિ તુષારની ચઢવણી કરતા પતિએ ગડદાપાટુનો માર માર્યો હતો. આ ઝઘડા દરમ્યાન તમામ શખ્સોએ ભેગા મળી તુ તારા બાપાના ઘરે જઈ ગાડી, ટીવી તથા મોજશોખની તમામ વસ્તુઓ લઈ આવ અને જ્યાં સુધી લઈને નહી આવું ત્યાં સુધી અમારા ઘરમાં આવવું નહી તેમ જણાવી પહેરેલ કપડે પરિણીતાને બહાર કાઢી મુકી હતી. જેથી પરિણીતા પિતાના ઘરે આવતા પિતાએ સગા સંબંધીઓ મારફતે તથા ટેલીફોનથી બિંદુબેનની સાસરીમાં વાત કરતા તેઓએ બિંદુ અમારા ઘરે ઉપરની વસ્તુઓ લીધા વગર આવશે તો તેને જીવતી રહેવા દઈશું નહી તેમ જણાવ્યં હતું. જેથી પરિણીતાએ આ બનાવ અંગે આંકલાવ પોલીસ મથકમાં ફરીયાદ આપતા પોલીસે પતિ તુષાર રાજેન્દ્રભાઈ પંડયા, સાસુ કૈલાશબેન રાજેન્દ્રભાઈ પંડયા, દિયર સમીરભાઈ બિપીનભાઈ પંડયા, પ્રતિક બિપીનચંદ્ર પંડયા, નણંદ સોનલબેન પિનાકીનભાઈ પંડયા અને નણદોઈ પીનાકીનભાઈ અશ્વિનભાઈ પંડયા વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

(1:16 pm IST)