Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની `શૌર્યભૂમિ’ ધંધુકા ખાતે `મેઘાણી-તકતી’ની સ્થાપના

રાજકોટ તા.૧૬ : આઝાદીની લડત વેળાએ 28 એપ્રિલ 1930ના રોજ રાજદ્રોહના ખોટા આરોપસર ધંધુકા સ્થિત તે સમયના ડાક બંગલા અને હાલના જિલ્લા પંચાયતના રેસ્ટ-હાઉસ ખાતે ઊભી કરાયેલ વિશેષ અદાલતમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને રજૂ કરાયા ત્યારે સિંધુડોમાંથી સ્વરચિત કાવ્ય છેલ્લી પ્રાર્થના ધીરગંભીર કંઠે ગાયું ને મેજિસ્ટ્રેટ ઈસાણી સમેત ત્યાં ઉપસ્થિત વિશાળ માનવ મેદનીની આંખો આંસુભીની થઈ ગઈ હતી. તે વખતની સ્વાતંત્ર્ય-સંગ્રામની લડત પર આ પ્રસંગનો ખાસ્સો પ્રભાવ પડ્યો હતો.

આઝાદી કા અમૃત મહોત્સવ તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષ અંતર્ગત શૌર્યભૂમિ ધંધુકા સ્થિત તાલુકા સેવા સદનના પરિસરમાં મેઘાણી તકતીની સ્થાપના કરવામાં આવી છે. 4.5 x 3.5 ફૂટની કાળા ગ્રેનાઈટ અને સોનેરી અક્ષરોવાળી કલાત્મક તકતીમાં ઝવેરચંદ મેઘાણીનું રેખાચિત્ર, હસ્તાક્ષર અને ઈતિહાસનું આલેખન કરવામાં આવ્યું છે.

અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલે (આઈએએસ), નિવાસી અધિક કલેકટર પી. બી. પંડ્યા (આઈએએસ), ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, લોકગાયક અને સાહિત્ય-લોકસાહિત્ય-અભ્યાસુ અભેસિંહ રાઠોડ, ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કે.વી.આઈ.સી.)ની સેન્ટ્રલ ખાદી માર્ક કમિટી અને ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (રાણપુર)ના ચેરમેન ગોવિંદસિંહ ડાભી, અમેરિકા સ્થિત વૈજ્ઞાનિક ડો. અક્ષય વજુભાઈ શાહ અને અનાર અક્ષય શાહ, ધંધુકા પ્રાંત અધિકારી યોગેશ ઠક્કર (જીએએસ), મામલતદાર નિરવ બ્રહ્મભટ્ટની આ અવસરે વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તકતીની પરિકલ્પના પિનાકી મેઘાણી – ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનની છે. તકતીનું સૌજન્ય ડો. અક્ષય શાહ – અનાર શાહ તથા ધીરૂભાઈ ધાબલીયા – ગ્રામ સ્વરાજ મંડળનું છે.  

ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના ટુરિઝમ કોર્પોરેશન ઑફ ગુજરાત લિ. દ્વારા ઝવેરચંદ મેઘાણી ટુરિઝમ સર્કિટ અંતર્ગત જિલ્લા પંચાયતનાં ઐતિહાસિક રેસ્ટ-હાઉસનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવશે જે ખાસ ઉલ્લેખનીય છે.  

     : આલેખન :

 પિનાકી નાનકભાઈ મેઘાણી 

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન 

(મો. 9825021279)

(5:03 pm IST)