Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

મંદિરમાં ચોરી કરતી આંતર રાજ્ય ગેંગના ત્રણ આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યા

ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગોવાના મંદિરમાં ચોરી કર્યાની કબુલાત કરી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક એવી ગેંગ પકડી છે જે મંદિરોને ટાર્ગેટ કરી ચોરી કરે છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે મંદિરમાં ચોરી કરતી આંતર રાજ્ય ગેંગના ત્રણ આરોપીઓ ઝડપી પાડ્યા છે. આરોપીઓની પૂછપરછ કરતા ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગોવાના મંદિરમાં ચોરી કર્યાની કબુલાત કરી હતી.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સુરેશ સોની , ધર્મેન્દ્ર ઉર્ફે ધમાં રાવ , અને જગદીશ કુમાવત નામના ચાર તસ્કરોને ઝડપી પાડ્યા છે. આરોપી સુરેશ સોની અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહે છે ,જ્યારે ધર્મેન્દ્ર ઉર્ફે રાવ અને જગદીશ કૂમાવત રાજસ્થાનના સિરોહી જિલ્લામાં રહે છે.પકડાયેલ ચોર ટોળકી અલગ અલગ રાજ્યોના મંદિરો ટાર્ગેટ કરી ચોરી કરતા હતી. ચોરી કરવા આરોપી આઇ-20 કાર લઇને ગુનાને અંજામ આપતા હતાં. હાલ અન્ય કોઈ ગુનાને અંજામ આપે તે પહેલા ક્રાઇમ બ્રાંચના હાથે ઝડપાયા છે.

પકડાયેલ આરોપીઓની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો અલગ અલગ રાજ્યોમાં આવેલા મંદિરોમાં આરોપી સુરેશ સોની પહેલા રેકી કરતો.જેમાં મંદિરમાં અને તેની આસપાસ સીસીટીવી ન હોય તેવા મંદિરને ટાર્ગેટ કરવા પસંદ કરતા હતા.બાદમાં તમામ આરોપીઓ મંદિરને ટાર્ગેટ કરી દિવસના સમયે દર્શન કરવાના બહાને મંદિરોમાં જતા અને મોડી રાત્રે મંદિરમાં જઇ દરવાજાનો લોક તોડી મંદિરમાં રહેલ ચાંદીના તથા અન્ય કિમતી વસ્તુને ચોરી કરતા હતા.

આરોપીઓના ગુનાહિત ઇતિહાસની જો વાત કરીએ તો આ ત્રણે આરોપીઓ એ રાજસ્થાનના સમેરપુર વિસ્તારમાં મંદિરમાં ચોરી કરવા ગયા ત્યારે પૂજારીની હત્યા કરી ભાગી ગયા હતા અને ત્યાર બાદ રાજસ્થાન અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પકડાયા હોવાનું પણ સામે આવ્યું છે.

જો કે હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને નોર્થ ગોવા સહીત 10 જેટલા મંદિરોમાં કરેલ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે, જેમાં 3.45 લાખ મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ટોળકીમાં અન્ય બે આરોપી હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ ચોરી કરેલો મુદ્દામાલ ક્યા અને કોને વેચ્યો છે તેને લઈને પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

(9:54 pm IST)