Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

રાજ્યના નવા મંત્રીમંડળની યાદી તૈયાર : ભુપેન્દ્ર યાદવે ભાજપ નેતાઓ સાથે બંધ બારણે કરી બેઠકો

પૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન ભાઈ પટેલ સાથે પણ બેઠક કરી.: નવા મંત્રીઓના નામ પર ચર્ચા

અમદાવાદ :ગુજરાતમાં ભુપેન્દ્રભાઈ  પટેલ મુખ્યપ્રધાન બન્યા બાદ હવે  પ્રધાનમંડળની શપથવિધિ 16 સપ્ટેમ્બરે યોજવાનું નક્કી થઈ ગયું છે.. 16 તારીખે રાજભવનમાં શપથગ્રહણ કાર્યક્રમ યોજાશે.ધારાસભ્યોને આવતીકાલ 15 સપ્ટેમ્બર સાંજ સુધી ગાંધીનગર પહોંચવા સૂચના આપી દેવાઈ છે.આવતીકાલ સાંજથી જ સંભવિત પ્રધાનોને કોલ કરવામાં આવશે.

રાજ્યમાં નવા પ્રધાનમંડળની રચના માટેની ગતિવિધિઓ તેજ થઇ ગઈ છે. નવા પ્રધાનમંડળની રચના માટે રાજ્યના પ્રભારી તેમજ કેન્દ્રીય પ્રધાન ભુપેન્દ્ર યાદવે ભાજપ નેતાઓ સાથે બંધ બારણે બેઠકો કરી છે. ભુપેન્દ્ર યાદવે સવારથી જ રાજ્યના પૂર્વ પ્રધાનો તેમજ પદાધિકારીઓ સાથે બેઠક કરી. આ સાથે જ તેમણે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ  રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન ભાઈ  પટેલ સાથે પણ બેઠક કરી. આ બેઠકમાં નવા પ્રધાનમંડળના સંભવિત નામો અંગે ચર્ચા કરવામાં આવી છે. રાજ્યનું નવું પ્રધાનમંડળ કેવું હશે અને કોનો કોનો સમાવેશ કરવામાં આવશે એ અંગે પણ આ બેઠકમાં સૂચક ચર્ચા કરવામાં આવી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે નવા પ્રધાનમંડળની રચનાની જવાબદારી રાજ્યના પ્રભારી તેમજ કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવને સોંપવામાં આવી છે. આ અંગેની બેઠક મોડીરાત્રે એનેક્ષી ખાતે યોજાઇ હતી. જેમાં અમિત શાહ અને બી.એલ. સંતોષ પણ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ ભુપેન્દ્ર યાદવ મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચ્યા હતા. બેઠક પૂર્ણ કરી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ  શાહ દિલ્લી રવાના થયા હતા.

(10:37 pm IST)