Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

બોરસદ તાલુકાના જંત્રાલ ગામની સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જનાર આરોપીને અદાલતે સાત વર્ષની સજાની સુનવણી કરી

આણંદ:જિલ્લાના બોરસદ તાલુકાના જંત્રાલ ગામની સગીરાને આજથી લગભગ ત્રણ વર્ષ પૂર્વે પેટલાદ તાલુકાના જોગણ તાબે સરદારપુરાનો શખ્સ લગ્ન કરવાની લાલચ આપી કાયદેસરના વાલીપણાંમાંથી ભગાડી લઈ ગયા બાદ સગીરા સાથે શારીરિક સુખ માણી ગુનો કર્યાના બનાવમાં આણંદની કોર્ટે સગીરાને ભગાડી લઈ જનાર જોગણના સરદારપુરાના શખ્સને તકસીરવાન ઠેકવી સાત વર્ષની સખત કેદની સજાનો હુકમ સંભળાવ્યો છે. સાથે સાથે રૂા.૧૨ હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

પેટલાદ તાલુકાના જોગણ તાબે સરદારપુરા ગામે રહેતો શનાભાઈ રાવજીભાઈ ઠાકોર ગત તા.૧૦-૧૦-૨૦૧૮ના રોજ રાત્રિના સુમારે બોરસદ તાલુકાના જંત્રાલ ગામની ભંડાર સીમ ખાતેથી ૧૫ વર્ષીય એક સગીરાને લલચાવી-પટાવી લગ્ન કરવાની લાલચ આપી કાયદેસરના વાલીપણાંમાંથી ભગાડી લઈ ગયો હતો.  જે અંગે સગીરાના પિતાએ વિરસદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શનાભાઈ રાવજીભાઈ ઠાકોર વિરૂધ્ધ ગુનો નોંધી તા.૨૬-૧૧-૨૦૧૮ના રોજ શનાભાઈ ઠાકોરને ઝડપી પાડયો હતો. આ અંગે વિરસદ પોલીસે ચાર્જશીટ ફાઈલ કરતા આ કેસ આણંદના સ્પેશ્યલ જજ અને એડીશ્નલ સેશન્સ જજની અદાલતમાં આજે ચાલ્યો હતો. ૧૩ સાક્ષીઓ તથા ૨૫ દસ્તાવેજી પુરાવાઓની ચકાસણી કર્યા બાદ ન્યાયાધીશે શનાભાઈ રાવજીભાઈ ઠાકોરને તકસીરવાન ઠેરવી સાત વર્ષની સખત કેદની સજા અને અલગ-અલગ બે કલમમાં કુલ્લે રૂા.૧૨ હજારનો દંડ ફટકાર્યો હતો.

(5:09 pm IST)