Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

મુખ્યમંત્રી બદલાતા સુરત મહાનગર પાલીકાને 1,25 લાખનું નુકશાન

વિપક્ષના વિરોધ વચ્ચે પણ આવા 12 હજારની કિંમતની 10 ફોટો ફ્રેમ બનાવડાવીને કોર્પોરેશને 1.25 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

સુરત : મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી અને નરેન્દ્રભાઈ મોદીના સંયુક્ત ફોટો વાળી ફ્રેમ સુરત મહાનગરપાલિકાના મેયર સહિત ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક પક્ષ નેતા સહિત ચેરમેનનોની કેબિનમાં લગાવવામાં આવી હતી

સુરત મહાનગરપાલિકાને મુખ્યમંત્રી બદલાવાથી આર્થિક નુકશાન થયું છે. સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા મુખ્યમંત્રી વિજય ભાઈ  રૂપાણી અને વડાપ્રધાન  મોદીના સંયુક્ત ફોટો વાળી ફ્રેમ સુરત મહાનગરપાલિકાના મેયર સહિત ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક પક્ષ નેતા સહિત ચેરમેનનોની કેબિનમાં લગાવવામાં આવી હતી. આવા એક ફોટો પાછળ કોર્પોરેશને 12 હજાર રૂપિયાનો ધુમાડો પણ કર્યો હતો.

જે તે સમયે આ કામ જ્યારે એજન્ડા પર લેવામાં આવ્યું ત્યારે વિપક્ષ આમ આદમી પાર્ટી (AAP) દ્વારા તેની સામે વિરોધ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યારે શાસકો વિપક્ષની એમ કહીને બોલતી બંધ કરી દીધી હતી કે દિલ્હીમાં કેજરીવાલનો ફોટો પણ દરેક પદાધિકારીઓની કેબિનમાં લગાવવામાં આવ્યો છે. જેથી તેઓ પણ સીએમ અને પીએમનો ફોટો લગાવશે.

આમ, વિપક્ષના વિરોધ વચ્ચે પણ આવા 12 હજારની કિંમતની 10 ફોટો ફ્રેમ બનાવડાવીને કોર્પોરેશને 1.25 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. પરંતુ હવે તો મુખ્યમંત્રી બદલાઈ ગયા છે. સીએમ વિજય રૂપાણીની જગ્યાએ હવે સીએમ ભુપેન્દ્ર પટેલે ચાર્જ સાંભળી લીધો છે. જેથી હવે મેયર સહિતના પદાધિકારીઓની કેબિનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીનો ફોટો મૂકી પણ ન શકાય.

આમ, હજી લાંબો સમય પણ થયો નથી, ત્યાં હવે આ ફ્રેમનો ખર્ચો માથે પડ્યો છે. જોકે એક વસ્તુ છે કે શાસકોને તે સમયે એવો અંદાજો પણ નહીં આવ્યો હોય કે વિજય રૂપાણી અચાનક પોતાનું રાજીનામું ધરી દેશે. જોકે હવે મુખ્યમંત્રી બદલાતા ફોટો પણ બદલવો પડશે એ નક્કી છે. ત્યારે જોવાનું એ રહે છે કે હવે નવા મુખ્યમંત્રીના ફોટા માટે પણ શાસકો આટલા રૂપિયા ખર્ચે છે કે કેમ?

જોકે એક વસ્તુ એ પણ છે કે એકબાજુ પાલિકાની તિજોરી તળિયે આવી છે તો બીજી તરફ આવા ખર્ચની સામે લગામ કસાય તે પણ જરુરી છે. જોકે શાસકોની ઘેલછામાં મુખ્યમંત્રી બદલાવાને કારણે કોર્પોરેશનને સવા લાખનો ફટકો જરૂરથી પડ્યો છે

(8:19 pm IST)