Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

અમદાવાદ મનપાએ રેલવે પાસે લેવાના નીકળતા 21 કરોડની પ્રોપર્ટી ટેક્સની ઉઘરાણી કરવા મેદાને

રેવન્યુ કમિટીના ચેરમેને ઈજનેર ખાતા અને અન્ય ખાતાઓને પત્ર લખી રેલવેને કોઈપણ પ્રકારના બિલ નહીં ચૂકવવા આદેશ કર્યો

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની રેવન્યુ કમિટિની આજે બેઠક મળી હતી જેમાં રેલવે પાસે લેવાના નીકળતા 21 કરોડની ઉઘરાણી તેજ કરાઈ છે. રેવન્યુ કમિટીના ચેરમેને ઈજનેર ખાતા અને અન્ય ખાતાઓને પત્ર લખી રેલવેને કોઈપણ પ્રકારના બિલ નહીં ચૂકવવા આદેશ કર્યો છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્સ ખાતાના અધિકારીઓ અને ભારતીય રેલવેના અમદાવાદના ડીઆરએમ વચ્ચે બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે પણ અમદાવાદમાં ભારતીય રેલવેની મિલકતો પાસેથી લેવાનો નીકળતો પ્રોપર્ટી ટેક્સનો મુદ્દો ઉકેલાઇ રહ્યો નથી. અમદાવાદ મ્યુનિ. કોર્પોેરેશને અમદાવાદ શહેરમાં કાલુપુર રેલવે સ્ટેશન સહિત રેલવેની તમામ મિલકતોની આકરણી કરી પ્રોપર્ટી ટેક્સ ફટકાર્યો હતો પણ રેલવે આ મુદ્દે છેક સુપ્રિમ કોર્ટ સુધી લડી હતી પણ સુપ્રિમ કોર્ટનો ચુકાદો અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના પક્ષમાં આવ્યો હતો જેથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને રેલવે પાસે 20.88 કરોડનો પ્રોપર્ટી ટેક્સ લેવાનો નીકળે છે પણ તે આપતી નથી. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને રેલવે પાસે ઉઘરાણી શરૃ કરી છે પણ રેલવે જો અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સના નામે સર્વિસ ચાર્જના રૃપિયા ચૂકવે તો તેને દેશભરમાં દરેક નગરપાલિકા અને મહાનગરપાલિકાને સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે. જેથી તેઓ મુદ્દે નિર્ણય કેન્દ્ર સરકાર ઉપર છોડ્યો હોવાનું સુત્રો જણાવે છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની આજે મળેલી રેવન્યૂ કમિટી મળી હતી બાદમાં ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, શહેરમાં ચાર લાખ પ્રોપર્ટી ટેક્સના બિલ પ્રિન્ટ દેવાયા છે. 10 ઓક્ટબર સુધી 17 લાખ બિલ પ્રિન્ટ થઈ જશે અને 31મી ઓક્ટબર સુધી 21 લાખ બિલ વહેંચાઈ જશે. તમામ કરદાતાઓ પાસે મોબાઈલ નંબર સહિત કેવાયસીની વિગતો મેળવવાની કામગીરી શરૂ કરાઇ છે. ઝોન સ્તરે વોર્ડ ઇન્સ્પેક્ટર અને સુપરવાઈઝરને વિવિધ માપદંડના આધારે એવોર્ડ આપવામાં આવશે. વેજલપુરમાં આઇટીની નવી બિલ્ડીંગની આકરણી થઈ ગઈ છે, જેમાં બે કરોડનો પ્રોપર્ટી ટેક્સ મળશે.

(8:29 pm IST)