Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

પત્નીની હત્યામાં પતિને આજીવન કેદની સજા થઈ

કોર્ટમાં લાંબો સમય કેસ ચાલ્યા બાદ સજા ફટકારી : ૧૪ મે ૨૦૧૭માં પતિએ પત્નીની હત્યા કરી નાખી હતી, બાદમાં પત્નીની લાશને ઉપરના માળથી નીચે ફેંકી દીધી

અમદાવાદ,તા.૧૫ : અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે મહિલાઓ પ્રત્યે અત્યાચાર અને ગુના વધી રહ્યાં છે. તાજેતરમાં આવો જ એક કિસ્સો અમદાવાદના જુહાપુરામાંથી સામે આવ્યો છે. જ્યાં પતિએ પોતાની પત્નીથી છૂટકારો મેળવવા જોરદાર પ્લાન બનાવ્યો. બાદમાં તેની હત્યા કરી નાખી. હત્યાને આત્મહત્યામાં ખપાવવા માટે તેણે કાવતરૂ રચ્યું. પણ આખરે તેનો ભાંડો ફૂટી ગયો અને જેલ ભેગો થઈ ગયો. કોર્ટમાં લાંબો સમય કેસ ચાલ્યા બાદ કોર્ટે આરોપી પતિને આજીવન કેદની સજા ફટકારી હતી. વાત ૨૦૧૭ની છે. જુહાપુરામાં રહેતા મોહંમદ અલીહુસેન ડબ્બુ શેખ તેની પત્ની સાનિયા સાથે રહેતો હતો. લગ્ન બાદ બંને વચ્ચે કોઈ કારણોસર અવારનવાર વિવાદ અને ઝઘડા થતા હતા.

          આવો જ એક ઝઘડો ૧૪ મે ૨૦૧૭માં બંને વચ્ચે થયો હતો. પતિ અને પત્ની ખૂબ જ બાખડ્યા હતા. જે બાદ આ ઝઘડો તલાક સુધી પહોંચ્યો હતો. ઉશ્કેરાયેલા પતિએ તેની પત્ની પાસે તલાકની માંગણી કરી હતી. પરંતુ વાત એટલેથી અટકી નહીં. હવે તે ગમે તે ભોગે પોતાની પત્નીથી છૂટકારો મેળવવા માગતો હતો. એટલે તેણે પહેલાં તેની પત્નીનું ગળુ દબાવી હત્યા કરી નાખી. પછી તેણે આ હત્યાને આત્મહત્યામાં ખપાવવા માટે લાશને ઉપરના માળેથી નીચે ફેંકી દીધી. ઘટનાના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. ત્યારે સૌ કોઈ એવું માનતા હતા કે મહિલાએ આત્મહત્યા કરી છે. ઘટનાની જાણ વેજલપુર પોલીસને કરવામાં આવી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. બાદમાં પોલીસે લાશને પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે મોકલી આપી હતી. એ પછી સામે આવ્યું કે, આ આત્મહત્યા નથી પણ હત્યા છે. જે બાદ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. આખરે કોર્ટમાં પીડિતાને ન્યાય મળ્યો હતો. કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. હવે આરોપી પતિ જેલની હવા ખાઈ રહ્યો છે. આખરે કોર્ટે તેને ગુનેગાર સાબિત કરીને પીડિત પત્નીને ન્યાય અપાવ્યો હતો.

(8:43 pm IST)