Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

ભૂપેન્દ્ર પટેલના ૨૦ હજારથી વધારે ફોલોઅર્સ વધી ગયા

સીએમ બનતા જ ભૂપેન્દ્ર પટેલ ટ્વિટર પર સક્રિય : ભૂપેન્દ્ર પટેલે સીએમ પદના શપથ લીધા ત્યારથી પૂર્વ સીએમ વિજય રૂપાણી ટ્વિટર પર સાઈલન્ટ મોડમાં આવી ગયા છે

ગાંધીનગર,તા.૧૫ : ૧૨મી સપ્ટેમ્બરના રોજ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેના બીજા દિવસે એટલે કે ૧૩મી સપ્ટેમ્બરના રોજ તેમણે ગુજરાતના ૧૭મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. મુખ્યમંત્રી તરીકે નામ જાહેર થયાની સાથે જ સોશિયલ મીડિયા પર તેમના ફોલોઅર્સની સંખ્યા વધવા લાગી હતી. ટ્વીટર અને ફેસબુક બંનેમાં તેમના ફોલોઅર્સની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. ટ્વિટર પર એક જ દિવસમાં તેમના ફોલોઅર્સની સંખ્યામાં ૨૦ હજારથી વધારે વધારો થયો છે. બીજી તરફ ભૂપેન્દ્ર પટેલે સીએમ પદના શપથ લીધા ત્યાર બાદથી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ટ્વિટર પર સાઈલન્ટ મોડમાં આવી ગયા છે. સીએમ બનતા જ ભૂપેન્દ્ર પટેલ ટ્વિટર પર ખૂબ સક્રિય થઈ ગયા છે. આજે ૧૫ સપ્ટેમ્બરના રોજ ભૂપેન્દ્ર પટેલના ટ્વિટર પર ૧૦૭.૨કે હજાર ફોલોઅર્સ છે. જ્યારે તેઓ ૪૬૧ લોકોને ફોલો કરી રહ્યા છે. જ્યારે ૧૩મી સપ્ટેમ્બરના રોજ ટ્વિટર પર તેમના ૮૨.૪K ફોલોઅર્સ હતા. આ દિવસે પણ તેઓ ૪૬૧ લોકોને ફોલો કરી રહ્યા હતા. એટલે કે તેમના ફોલોઅર્સની સંખ્યામાં ૨૫ હજાર જેટલો વધારો થઈ ગયો છે. સીએમ બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલ પોતાના અધિકૃત ટ્વીટર હેન્ડલ પરથી એક પછી એક પોસ્ટ કરી રહ્યા છે.

        તાજેતરમાં જ તેમણે જામનગરના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી, તેની ફોટોગ્રાફ્સ સાથેની પોસ્ટ પણ તેમને ટ્વીટર પર મૂકી હતી. ટ્વિટરની જેમ ફેસબુક પર પણ તેઓ પોસ્ટ મૂકી રહ્યા છે. વિજય રૂપાણીના ટ્વીટર હેન્ડલની વાત કરવામાં આવે તો તેઓ ૨૩૧ લોકોને ફોલો કરી રહ્યા છે. જ્યારે તેમને ત્રણ મિલિયન લોકો ફોલો કરી રહ્યા છે. બીજી ખાસ વાત એ છે કે વિજય રૂપાણી ૧૩મી સપ્ટેમ્બર બાદ ટ્વિટર પર સાઇલન્ટ થઈ ગયા છે. એટલે તે ૧૩મી તારીખ બાદ તેમણે ટ્વિટ કે રિ-ટ્વી કર્યું નથી. ફેસબુકની વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલના તેમના ફેસબુક પેજને ૪૭,૮૫૩ લાઇક કર્યું છે. જ્યારે ૬૨,૦૯૪ લોકો તેમના પેજને ફોલો કરી રહ્યા છે. વિજય રૂપાણીના ફેસબુક પેજને ૧,૮૪૫,૮૨૬ લોકોએ લાઇક કર્યું છે. જ્યારે ૨,૦૦૨,૨૦૮ લોકો તેમના પેજને ફોલો કરી રહ્યા છે. ટ્વિટરની જેમ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ફેસબુક પર પણ ૧૩મી તારીખ બાદ સાઇલન્ટ છે. જોકે, તેમણે ગઈકાલે એટલે કે ૧૪મી સપ્ટેમ્બરના રોજ તેમના પેજનો કવર ફોટો બદલ્યો છે. જેમાં તેઓ પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ સાથે નજરે પડી રહ્યા છે.

(8:45 pm IST)