Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

અમદાવાદમાં પીએસઇના ત્રાસથી આત્મહત્યા : સ્યુસાઈટ નોટ લખી દુકાનદારનો આપઘાત : PSI સહીત 3 સામે ગુનો નોંધાયો

સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે, અમારી સાથે ખૂબ જ અન્યાય થયેલ

અમદાવાદ: પોલીસ કર્મચારીના ત્રાસથી શહેરના ગીતા મંદિર વિસ્તારમાં એક વ્યક્તિને આત્મહત્યા કરીને  જીવન ટુંકાવતા હવે પોલીસે કાયદાનો પાઠ ભણાવવા પીએસઆઇ સહીત 3 સામે ગુનો નોંધ્યો છે.

ગીતા મંદિર વિસ્તારમાં રહેતા પ્રેમજીભાઈ રેવર એ ગઇકાલે સાંજે આત્મહત્યા કરી લેતા પરિવારજનો અને સમાજના લોકો દુઃખમાં સરી પડ્યા છે. કેમ કે તેઓએ પોલીસના ત્રાસથી આપઘાત કરવો પડ્યો છે. પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને તપાસ કરતા તેમની પાસેથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં બિગ બજાર ચોંકીના પીએસઆઈ ગોહિલ અને તેમની દુકાનના પડોશી જયેન્દ્ર કોષ્ટિ નામના વ્યક્તિ પ્રેમજીભાઈ રેવરને વારંવાર માનસિક ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. જેના પરિણામે તેઓએ આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કર્યો છે.

 

સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે, અમારી સાથે ખૂબ જ અન્યાય થયેલ છે. અમારી દુકાનની પાછળ જયેન્દ્ર કોષ્ટિ અને બિગ બજારના ગોહિલ સાહેબ બન્ને મળીને અમારી ઉપર ખોટા કેસ કરીને ખોટી એફઆઈઆર કરીને અમને દબાણ કરે છે અને પીએસઆઈ ગોહિલ સાહેબ અમારું કંઈ સાંભળતા નથી. આ બન્ને જણાએ એમને ખૂબ ત્રાસ આપેલ છે જેથી અમે આ આત્મહત્યાનું પગલું ભરેલ છે અને અમારું મારવાનુ કારણ આ બે જણા છે. પીએસઆઈ ગોહિલને કોઈપણ રજૂઆત કરીએ તો ઉલ્ટાનું અમોને દબાણ કરે છે અને કહે છે કે તમે વધારે પડતું બોલશો તો તમને જેલમાં પૂરી દઈશ. આવી રીતે ટોર્ચર કરે છે અને માનસિક હેરાન કરે છે. જયેન્દ્રના મકાન પાછળ પાકુ સ્લેબ ધાબુ ભરાવી રાખેલ છે. અમોએ કહ્યું છતાં અમારું કાઇપણ સભળેલ નથી. બસ આ જ સ્યુસાઇડ નોટના આધારે હવે પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

 પોલીસે જયેન્દ્ર કોષ્ટિ, નરેન્દ્ર કોષ્ટિ અને પીએસઆઈ વિરુદ્ધ ફરિયાદ તો દાખલ કરી પણ હવે પીએસઆઇ ફરાર થઈ જતા તેને પકડવાથી લઈ પૂછપરછમાં શું ખુલાસા અને હકીકત સામે આવે છે તે જોવાનું રહેશે.

(11:59 pm IST)