Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

સુરતમાં મોંઘવારીના ગરબા: સત્ય નારાયણ સોસાયટીના લોકો તેલના ડબ્બા, પેટ્રોલ-ડીઝલ ,ગેસના બાટલા સાથે ગરબે ઘૂમ્યા

બહુત હુઈ મહેંગાઈ કી માર અબકી બાર મોદી સરકાર', 'બહેનોનો ભાઈ દિલ્હીમાં બહેનોના ઘરવાળા રોડ ઉપર' જેવા લખાણ સાથે વિરોધ નોંધાવ્યો

સુરતઃ એક તરફ કોરોના મહામારી અને લોકડાઉનની દરેક લોકોના ધંધા રોજગાર પર અસર જોવા મળી હતી. ત્યારે બીજી બાજુ મોંઘવારીએ માઝા મૂકી છે. પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, રાંધણ ગેસના ભાવોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આ વધતી જતી મોંઘવારીનો સુરતમાં અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો.

સુરતના પુણા વિસ્તારમાં આવેલી સત્ય નારાયણ સોસાયટીમાં રહીશો ગઈકાલે પેટ્રોલ-ડીઝલ, ગેસના સિલિન્ડર સહિતની ચીજવસ્તુઓ લઈને અને વિવિધ બેનરો ગળામાં લગાવી વિરોધની સાથે ગરબે ઘૂમ્યા હતા.

સત્ય નારાયણ સોસાયટીમાં બાળકો, મહિલાઓ અને પુરુષો પેટ્રોલ, ડીઝલ, ગેસની બોટલો સહિતની ચીજવસ્તુઓ લઈને અને વિવિધ બેનરો ગળામાં લગાવી ગરબે ઘૂમ્યા હતા. બાળકોએ ગળામાં 'બહુત હુઈ મહેંગાઈ કી માર અબકી બાર મોદી સરકાર', 'બહેનોનો ભાઈ દિલ્હીમાં બહેનોના ઘરવાળા રોડ ઉપર' જેવા લખાણ સાથે વિરોધ નોંધાવ્યો હતો.

આ અંગે સત્ય નારાયણ સોસાયટીમાં રહેતા મનાલીબેને જણાવ્યું હતું કે,'કોરોનાની મહામારી વચ્ચે મોંઘવારી સતત વધી રહી છે. ત્યારે લોકોને ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે આઠમના દિવસે અમે અનોખી રીતે ગરબે ઘૂમી સરકારને મોંઘવારી કાબૂમાં લેવા રજૂઆત કરી હતી.'

(12:54 am IST)