Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

પોષણ યુકત ખાતા નહોતા એટલે બીમાર પડયા કહીને વીમા કંપની વળતર ચુકવવા ના ન પાડી શકે

ગ્રાહક કોર્ટે પોતાના એક ચુકાદામાં જણાવ્યું કે જો વ્યકિતને એનેમિયા થાય છે તો તેને પોષણની ઉણપના કારણે થયો હોવાનું જણાવીને વીમા કંપની વળતર ચૂકવવાની ના પાડી શકે નહીં

વડોદરા તા. ૧૫ : એનિમિયાને કારણે નબળાઈ અને શરીરના દુઃખાવાને પોષણની ઉણપના કારણે આ સ્થિતિ છે તેમ કહી શકાય નહીં. એક કેસની સુનાવણી દરમિયાન ગ્રાહક અદાલતે પોતાના ચુકાદામાં આમ જણાવ્યું હતું.

કોર્ટે તાજેતરમાં નેશનલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને ફરિયાદી આશિષ ભટ્ટને રૂ. ૩૩,૮૨૦ ની સારવારનો ખર્ચ ૯્રુ વ્યાજ અને ૧૦,૦૦૦ રૂપિયાના વળતર સાથે ચૂકવવાનો આદેશ આપ્યો હતો, કારણ કે વીમા કંપની ભટ્ટની બિમારી યોગ્ય પોષણની ઉણપના કારણે થઈ હોવાનો દાવો સાબિત કરી શકી નહોતી. ભટ્ટે ઓગસ્ટ ૨૦૧૫ માં કન્ઝયુમર કોર્ટનો સંપર્ક કર્યો હતો. કારણ કે વીમા કંપની વતી થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટરે તેમનો દાવો ફગાવી દીધો હતો. દાવો ફગાવી દેતા કહેવામાં આવ્યું હતું કે પોષણની ઉણપ સંબંધિત સારવારનો ખર્ચ આરોગ્ય વીમા પોલિસીના નિયમો અને શરતો અનુસાર ચૂકવવાપાત્ર નથી.

વીમા કંપનીએ દાવાનો અસ્વિકાર કરતાં એમ પણ જણાવ્યું હતું કે એનિમિયા એક પોષણની ઉણપ છે. જેના માટે કંપની જવાબદાર નથી. ઘટનાની વિગત મુજબ ભટ્ટને તેમની આરોગ્ય સ્થિતિ સંબંધિત સમસ્યાઓ માટે મે ૨૦૧૫માં નિઝામપુરાની એક ખાનગી હોસ્પિટલમાં પાંચ દિવસ માટે દાખલ કરવામાં આવ્યા હતા. ભટ્ટે પોતાની ફરિયાદમાં કોર્ટને જણાવ્યું હતું કે વીમા કંપનીએ તેમને પોલિસીના નિયમો અને શરતોની નકલ કયારેય આપી નથી.

કોર્ટે દલીલને સમર્થન આપ્યું કે નિયમો અને શરતોની નકલ ભટ્ટને કયારેય આપવામાં આવી ન હતી, પણ સાથે વીમા કંપની દ્વારા દાવો નકારવા માટે આપવામાં આવેલા કારણ તરફ પણ ધ્યાન દોર્યું હતું. કોર્ટે કહ્યું કે એવું ન માની શકાય કે એનિમિયાની સ્થિતિ પોષણની ઉણપને કારણે અથવા યોગ્ય ખોરાક ન હોવાને કારણે હતી. 'વીમા કંપનીએ ડોકટરનો અભિપ્રાય આપીને પોષણની ઉણપ પર પોતાનું વલણ સાબિત કરવું જોઈએ અને પોષણની ઉણપ એ એનિમિયાનું એકમાત્ર કારણ ન હોઈ શકે. તેથી, વીમા કંપની પોતાની સત્તાથી આગળ વધીને દાવાને નકારવાનો નિર્ણય લીધો છે અને વીમા કંપની વતી TPA એ પણ ધારણાના આધારે બાબતો નક્કી કરી છે. જેથી દાવો નકારવા માટે આપવામાં આવેલું કારણ સદંતર સત્ય નથી. આ સાથે કોર્ટે વીમા કંપનીને દાવાની રકમ ચૂકવવા માટે આદેશ આપ્યો છે.'

(9:56 am IST)