Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

વધતા પ્રદૂષણ વિરૂધ્ધ રીટ પીટીશન : હાઇકોર્ટે દાખલ કરી

ગુજરાત હાઇકોર્ટે કોલસા અને વાયુ પ્રદૂષણના મુદ્દાને જાહેરહિતમાં અને અતિ મહત્વનો મુદ્દો ગણાવ્યો

અમદાવાદ તા. ૧૫ : રાજયમાં વધી રહેલા પ્રદૂષણ મુદ્દે થયેલી અરજીને ગુજરાત હાઈકોર્ટે સ્વીકારી છે. હાઇકોર્ટે આ અરજીને દાખલ કરીને અંતિમ સુનાવણી માટે તારીખ પણ નિયત કરી છે. કોર્ટે કોલસા અને વાયુ પ્રદૂષણના મુદ્દાને જાહેર હિતમાં અને અતિ મહત્વનો મુદ્દો ગણાવ્યો છે.

રાજયના મહાનગરો અને શહેરોમાં વાયુ પ્રદૂષણના વધતા પ્રમાણને કારણે લોકોના સ્વાસ્થ્ય જોખમમાં મુકાયા હોવાની આ અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી. કોલસાનો ઉપયોગ ઘટાડી અને નેચરલ ગેસ કે ઊર્જાના વૈકલ્પિક  સ્ત્રોતનો વપરાશ વધારવા માટે સરકારને જરૂરી નિર્દેશ આપવામાં આવે તેવી અરજદારે માંગ કરી હતી. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના એકશન પ્લાન છતાં પણ વાયુ પ્રદૂષણના વધેલા પ્રમાણની કોર્ટે નોંધ લેતા મુદ્દાને મહત્વનો ગણાવ્યો છે. ૨૯ ઓકટોબરના રોજ આ મામલે અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવશે.

થોડા દિવસ પહેલા રાજયના મહાનગરો અને અન્ય શહેરોના વાયુ પ્રદૂષણનો બાબતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે (GPCB) ગુજરાત હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. જેમાં વડોદરા, અંકલેશ્વર, વાપી, સુરત, રાજકોટ અને અમદાવાદમાં વટવા વિસ્તાર અતિ ગંભીર રીતે પ્રદૂષિત હોવાની વાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સ્વીકારી હતી. આ સિવાય ભાવનગર, મોરબી, જૂનાગઢ અને અમદાવાદના નરોડા-ઓઢવ વિસ્તાર અતિ પ્રદૂષિત હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો.

(3:12 pm IST)