Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

આ વખતે પણ ૧૦,૫૦૦થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી મત પત્રકથી જ

દિવાળી આસપાસ ચૂંટણી કાર્યક્રમની જાહેરાત : સરકાર ગામો સમરસ બનાવવાની તરફેણમાં : ૧ લાખ ઇ.વી.એમ.ની જરૂરિયાત સામે ચૂંટણી પંચ પાસે માત્ર ૬૦ હજાર મશીન જ ઉપલબ્ધ હોવાથી મતપેટીનો ઉપયોગ થશે : ગ્રામ પંચાયતની ચૂંટણી પક્ષના નિશાન વગર લડવામાં આવે છે : અમુક નવી ગ્રામ પંચાયતો રચાશે : ડીસેમ્બરમાં મતદાન

રાજકોટ,તા. ૧૫: રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણીની તૈયારી થઇ રહી છે. તાલુકા-જિલ્લા પંચાયતો તથા નગરો અને મહાનગરોની ચૂંટણી ઇલેકટ્રોનીક વોટીંગ મશીનથી થતી હોય છે. પરંતુ ગ્રામ પંચાયતોમાં વોર્ડ અને ઉમેદવારની સંખ્યા વધુ હોવાથી ગ્રામ પંચાયતનો ચૂંટણી મતપત્રકથી જ કરવાની પરંપરા જળવાશે. ગ્રામ પંચાયતોની ચૂંટણી ઇ.વી.એમ.થી કરવા માટે ૧ લાખ જેટલા મશીનની જરૂરિયાત રહે તેની સામે ચૂંટણી પંચ પાસે મહતમ ૬૦ હજાર જેટલા જ મશીન ઉપલબ્ધ હોવાથી અગાઉની જેમ આ વખતે પણ મતપેટીની પધ્ધતિથી જ ગ્રામ પંચાયતોની ચૂંટણી થશે તેમ પંચના સત્તાવાર સૂત્રો જણાવે છે.

રાજ્યમાં ડીસેમ્બરમાં ૧૦,૫૦૦થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી કરવાપાત્ર છે. સરકાર કેટલીક ગ્રામ પંચાયતોનું વિભાજન કરી નવી ગ્રામ પંચાયતો રચવા માંગે છે. જો તેમ થશે તો ચૂંટણીપાત્ર ગ્રામ પંચાયતોની સંખ્યા વધશે. ડીસેમ્બરમાં મતદાન કરાવવાનું હોવાથી દિવાળી સુધીમાં અથવા દિવાળી બાદ તુરંત પંચાયતોની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થશે. સરકાર ગ્રામ પંચાયતોને બિનહરીફ (સમરસ) કરાવવાની તરફેણમાં છે. સમરસ પંચાયતો માટે નવી કોઇ પ્રોત્સાહક યોજના આવે તો નવાઇ નહિ ગ્રામ પંચાયતોની ચૂંટણી કોઇ પક્ષના નિશાન પર લડાતી નથી પરંતુ ચૂંટણીમાં રાજકીય પ્રભાવ રહે છે.

(3:13 pm IST)