Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

JEE એડવાન્સનું પરિણામ જાહેર : ટોપ ૧૦૦માં ૧૦ ગુજરાતના છાત્રોએ મેદાન માર્યુ

જયપુરના મૃદુલ અગ્રવાલે ઓલ ઈન્ડિયામાં ટોપ કર્યુ : ૩૬૦માંથી ૩૪૪ સ્કોર મળ્યા

અમદાવાદ, તા.૧૫ : ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી) ખડગપુરે જેઈઈ એડવાન્સ્ડ ૨૦૨૧નું પરિણામ આજે જાહેર કર્યું છે. જે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તે ઉમેદવાર પોતાનુ પરિણામ સત્તાવાર વેબસાઇટ ચકાસી શકે છે. વિદ્યાર્થીઓ તેમના જેઈઈ એડવાન્સ્ડ રોલ નંબર અને જન્મ તારીખની મદદથી લોગીન કરીને પોતાનું પરિણામ ચકાસી શકે છે.

જેઈઈ એડવાન્સ્ડ પરિણામ સાથે, આઈઆઈટી ખડગપુરે ઓલ ઈન્ડિયા ટોપર્સ અને અન્ય માહિતીની યાદી પણ જાહેર કરી છે. આઈઆઈટી પ્રવેશ પરીક્ષા ૩ ઓકટોબરના રોજ દેશભરના પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી.

જેઈઈ એડવાન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ટૉપ ૧૦૦માં ગુજરાતના ૧૦ વિદ્યાર્થીઓએ મેદાન માર્યું જાણવા મળે છે. જેમાં ગુજરાતમાં નમન સોનીએ છઠ્ઠો રેન્ક મેળવ્યો છે, જ્યારે અનંત કિડામબીએ ૧૩મો, પરમ શાહે ૫૨મો રેન્ક, લિસને કડીવારે ૫૭મો અને પાર્થ પટેલે ૭૨મો રેન્ક મેળવ્યો છે.

ઓલ ઓવર ઇન્ડિયા ટૉપ ૧૦૦માં ગુજરાતના ૧૦ જેટલા વિદ્યાર્થીઓએ મેદાન મારતા તેમના પરિવારજનોમાં ખુશીનો માહોલ રહ્યો છે. ૫૭મો રેન્ક મેળવનાર લિસનના પિતા ચાની કીટલી ચલાવે છે. સામાન્ય પરિવારમાંથી આવતા લિસનના પરિણામથી પરિવારમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે.

જયપુરના મૃદુલ અગ્રવાલે જેઈઈ એડવાન્સ્ડમાં સૌથી વધુ માકર્સ મેળવીને ઓલ ઇન્ડિયામાં ટોપ કર્યું છે. મૃદુલ અગ્રવાલે ૩૬૦માંથી ૩૪૮ સ્કોર કર્યા છે, જે જેઈઈ એડવાન્સ્ડના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી વધુ છે.

જેઈઈ મેઈનમાં ઓલ ઈન્ડિયા રેન્ક -૧ મેળવનાર મૃદુલ અગ્રવાલે ફેબ્રુઆરીમાં જેઈઈ-મેઈન પછી માર્ચમાં ૧૦૦ ટકા મેળવ્યા હતા. મૃદુલે જેઈઈ- મેઈનમાં ૩૦૦ માંથી ૩૦૦ સ્કોર પ્રાપ્ત કર્યો હતો. મૃદુલે કહ્યું કે મેં ૧૦૦ પર્સન્ટાઇલ માટે મહેનત કરી હતી, જે સફળ થઈ હતી. જેઇઇ-એડવાન્સમાં સારા પરિણામની અપેક્ષા હતી જે અપેક્ષા મુજબ હતી.

(3:57 pm IST)