Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

વિજયાદશમી ઉત્સવે સૌએ સદવર્તન, સદાચાર અને સત્યના માર્ગે ચાલીને રાષ્ટ્ર-રાજ્યના ઉદયના નિર્માણનું કર્તવ્ય નિભાવવાનું છે : દશેરાએ મુખ્યમંત્રીના નિવાસસ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શસ્ત્ર પૂજન કર્યું

રાજ્યના સૌ નાગરીકો, ભાઈ-બહેનોને વિજયાદશમી-દશેરા પર્વની મુખ્યમંત્રીશ્રીએ શુભેચ્છાઓ પાઠવતા મુખ્યમંત્રી

રાજકોટ તા.૧૫મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના સૌ નાગરીકો, ભાઈ-બહેનોને વિજયાદશમી-દશેરા પર્વની શુભેચ્છાઓ મુખ્યમંત્રીશ્રી નિવાસસ્થાને આયોજિત શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં પાઠવી હતી.

    મુખ્યમંત્રીશ્રીએ શુભકામનાઓ પાઠવતા સ્પષ્ટપણે જણાવ્યું કે, વિજ્યાદશમી પર્વે શસ્ત્ર પૂજનનો અનેરો મહિમા છે.આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના આ ઉત્સવે આપણે સૌએ પણ સદવર્તન, સદાચાર અને સત્યના માર્ગે ચાલીને વિઘટનકારી તત્વોને પરાસ્ત કરી રાષ્ટ્ર-રાજ્યના ઉદયના નિર્માણનું કર્તવ્ય નિભાવવાનું છે.

 

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી કાળ દરમ્યાન વિજ્યાદશમી પર્વે શરૂ કરાવેલી શસ્ત્ર પૂજનની પરંપરામાં આ વખતે સહભાગી થવાની પોતાને તક મળી છે તેનો હર્ષ પણ શ્રી ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો હતો.

 

મુખ્યમંત્રીશ્રીના સલામતી અધિકારીશ્રીઓ અને પોલીસ કર્મચારીઓ દ્વારા પ્રતિ વર્ષ વિજયાદશમીએ શસ્ત્ર પૂજન વિધિ મુખ્યમંત્રીશ્રી નિવાસના પ્રાંગણમાં યોજાય છે.

 

આ વર્ષે યોજાયેલી શસ્ત્ર પૂજન વિધિમાં મુખ્યમંત્રીશ્રીના સલામતી પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા અને નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓ, પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ, સબ ઇન્સ્પેક્ટરશ્રીઓ મળીને ૫૦ જેટલા સુરક્ષા કર્મીઓ જોડાયા હતા.

(4:48 pm IST)