Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

ભકિત- શકિત અને વિજયના પર્વ એવા દશેરાના દિને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે સુરત શહેર-જિલ્લાને રૂા.૨૩૭ કરોડના વિકાસકામોની ભેટ આપી : છેવાડાના માનવીની સુખાકારી ના જનહિત કાર્યો વહીવટી ગુંચ વિના સરળતાથી અને ઝડપી થાય તેની નેમ વ્યકત કરતા મુખ્યમંત્રી

સુરત મનપા અને સુડાના રૂ.૧૭૨ કરોડના વિકાસ પ્રકલ્પોનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ/ખાતમુહૂર્ત : માંડવી અને મહુવા ખાતે કુલ રૂ.૬૦.૨૯ કરોડના ખર્ચે સાકાર થનાર ગર્લ્સ-બોયઝ હોસ્ટેલ અને ગર્લ્સ આદર્શ નિવાસી શાળાનું મુખ્યમંત્રીના હસ્તે ઈ-ભૂમિપૂજન : સુરત શહેર-જિલ્લામાં રૂ.૫.૫૪ કરોડના ખર્ચે ૬ ઓક્સિજન પ્લાન્ટનું ઈ-લોકાર્પણ: ૧૬ એમ્બ્યુલન્સને ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું: કેન્દ્રીય મંત્રીશ્રીઓ, પ્રદેશ અધ્યક્ષશ્રી અને સાંસદ તેમજ રાજ્ય ના મંત્રીશ્રીઓ ની પ્રેરક ઉપસ્થિતિ

 રાજકોટ તા.૧૫મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભકિત, શકિત અને વિજયના પર્વ એવા દશેરાના દિને  સુરત શહેર-જિલ્લાને રૂા.૨૩૭ કરોડના વિકાસકામોની ભેટ આપતા જણાવ્યું હતું કે, છેવાડાના માનવીની સુખાકારી માટે કોઈ વહીવટી ગુંચ ન પડે અને તેમના કામ ઝડપથી થાય તેવા જનહિત  કાર્યો કરવાની આ સરકાર ની નેમ છે. 

મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર ખભેખભા મિલાવીને  શહેરો નગરો ના વિકાસની ગતિને વધુ તેજ ગતિએ આગળ લઈ જવા પ્રયત્નશીલ રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો. 

          આ સમારોહમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, કોરોના કાળ દરમિયાન અમેરિકા જેવા દેશોની હાલત પણ કફોડી બની હતી ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ માર્ગદર્શન આપીને સમગ્ર ભારતને કોરોનાની મહામારીમાંથી બહાર લાવીને વિકાસની ગતિને અટકવા દીધી નથી

 

સુરત શહેરે હર હમેશા લોકોની વચ્ચે રહીને આમ આદમીના પ્રશ્નોને વાચા આપી છે. 

આ શહેરે કુદરતી આફતો કે  મુશ્કેલીઓનો મક્કમતાપૂર્વક સામનો કરીને વિકાસની ગતિને આગળ લઈ જવા માટે  નમૂનારૂપ કાર્ય કર્યું છે. સુરતના વિકાસમાંથી અન્ય જિલ્લાઓ પણ પ્રેરણા લે તેવી હિમાયત તેમણે કરી હતી. 

શ્રી ભૂપેન્દ્ર પટેલે  એમ પણ કહ્યું કે  વિકાસ ની જે નવતર ઊંચાઈ ગુજરાતે નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં હાંસલ કરી છે તેનું આગવું દ્રષ્ટાંત કેવડીયા જેવા આદિજાતિ અંતરિયાળ વિસ્તારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ની વિશ્વ પ્રવાસન ધામ તરીકે ખ્યાતિ થી સૌને પૂરું પડ્યું છે.

      આ વેળાએ કેન્દ્રીય કૃષિમંત્રીશ્રી પુરૂશોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું કે, સુરતએ પોતાના આત્મબળે આગળ વધેલું શહેર છે. જયારે જયારે સુરત શહેર પર આફતો આવી છે ત્યારે ત્યારે શહેરીજનોએ મક્કતમા પૂર્વક સામનો કરી ડબલ વેગથી આગળ વધ્યું છે. સુરત શહેરે કાપડ અને ડાયમંડ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં આગવી ઓળખ બનાવી છે.  સુરત શહેર વધુને વધુ તેજ ગતિથી  આગળ  વધે તેવી શુભકામના તેમણે વ્યકત કરી હતી. 

           મહાનગરપાલિકાના અંદાજીત રૂા.૪૨.૪૫ કરોડના ખર્ચે સાકારિત થનાર કચ્છ જિલ્લાના સુખમાણ ગામ ખાતે રોહા નખત્રાણા સાઈટ ખાતે ૬.૩ મેગા વોટ ક્ષમતાનો વિન્ડ પાવર પ્લાન્ટ તથા રૂા.૩૨.૫૦ કરોડના ખર્ચેના શાળાના મકાન, ફાયર સ્ટેશન, આંગણવાડી મળી કુલ રૂા.૭૪.૯૫ કરોડના ખર્ચના વિકાસકામોનું લોકાર્પણ તથા રૂા.૬૨.૦૯ કરોડના કામોનું ખાતમુહૂર્ત તેમજ સુરત શહેરી વિકાસ સત્તામંડળના રૂા.૩૫ કરોડના ખર્ચે પ્રધાનમંત્રી આવાસોની ઓનલાઈન ખાતમુહૂર્ત વિધિ સંપન્ન થઈ હતી.

             આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ આરોગ્ય વિભાગની ૧૬ એમ્બ્યુલન્સોને ઝંડી આપી પ્રસ્થાન કરાવીને સુરત શહેર-જિલ્લામાં રૂા.૫.૫૪ કરોડના ખર્ચે ૬ ઓક્સિજન પ્લાન્ટનું વચ્યુર્અલ લોકાર્પણ કર્યું હતું. 

આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રી ના  હસ્તે આદિજાતિ વિસ્તારના દીકરા-દીકરીઓને ઘર આંગણે શિક્ષણ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે આદિજાતિ વિભાગ દ્વારા  રૂા.૬૦.૨૯ કરોડના ખર્ચે નિર્માણ થનાર ત્રણ જેટલા છાત્રાલયોનું પણ ઓનલાઈન ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું.

               આ વેળાએ સ્વાગત પ્રવચન મેયર શ્રીમતિ હેમાલીબેન બોધાવાલા તથા આભારવિધી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભાવેશભાઈ પટેલે કરી હતી.              

            આ પ્રસંગે કેન્દ્રીય રેલ્વે મંત્રીશ્રીમતી દર્શનાબેન જરદોશ, શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાધાણી, ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષ સંધવી, શહેરી વિકાસ રાજ્યમંત્રીશ્રી વિનોદભાઈ મોરડિયા, કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ,  શ્રમ અને રોજગાર મંત્રીશ્રી બ્રિજેશ મેરજા, સાંસદ અને પક્ષના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ, સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા, પૂર્વ મંત્રીશ્રીઓ તથા ધારાસભ્યશ્રીઓ, મહાનગરપાલિકાની વિવિધ સમિતિઓના અધ્યક્ષશ્રીઓ, કોપોરેટરશ્રીઓ, અધિકારીઓ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(4:50 pm IST)