Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

સુરતના ડિંડોલીમાં ગેરેજમાલિકની પત્નીએ 1.50 લાખની લોન માટે અરજી કરતા ગઠિયાએ લોન અપ્રુવલના બહાને ઠગાઈ આચરતા ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

સુરત: શહેરનાડિંડોલીમાં રહેતા ગેરેજમાલિકની પત્નીએ રૂ.1.50 લાખની લોન માટે બજાજ ફાયનાન્સની વેબસાઈટ પર અરજી કર્યા બાદ બજાજ ફાયનાન્સના કર્મચારીના સ્વાંગમાં ગઠીયાએ લોન એપ્રુવલ થઈ ગઈ છે તેમ કહી પ્રોસેસ ફી, જીએસટી, ઈમ્ફોર્મેશન ચાર્જ, ઈન્કમટેક્ષ ચાર્જના નામે રૂ.37,230 પડાવી લીધા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની અને સુરતના ડિંડોલી બાબા મેમોરીયલ હોસ્પિટલની પાછળ મૌર્યાનગર પ્લોટ નં.એ/બી/1 માં રહેતા અને ઘર નજીક ગેરેજ ધરાવતા સુશીલ દુબેના પત્ની કવિતાબેન ( ઉ.વ.43 ) એ પૈસાની જરૂર હોય 12 જુલાઈના રોજ બજાજ ફાયનાન્સ કંપનીની વેબસાઈટ ઉપર રૂ.1.50 લાખની લોન મેળવવા ઓનલાઇન અરજી કરી પોતાનું નામ અને મોબાઈલ નંબર આપ્યો હતો. બીજા દિવસે અજાણ્યા નંબર પરથી એક વ્યક્તિએ ફોન કરી તમે બજાજ ફાયનાન્સમાં લોન માટે ઓનલાઈન અરજી કરી છે અને તમારી લોન એપ્રુવલ થઈ ગઈ છે તેમ કહી બજાજ ફાયનાન્સમાં લોન પ્રોસેસ ફી, જીએસટી, ઈમ્ફોર્મેશન ચાર્જ, ઈન્કમટેક્ષ નો ચાર્જ ભરવો પડશે કહી પહેલા પ્રોસેસ ફીના રૂ.2350 ભરાવ્યા હતા.

કવિતાબેને આ રકમ ભરતા તેમને સ્ટેટ બેન્કનો ઉલ્લેખ કરતા ઈમેઈલ પરથી અને વ્હોટ્સએપ મેસેજ કરી જુદાજુદા ચાર્જના નામે કુલ રૂ.37,230 ભરાવ્યા હતા. ત્યાર બાદ ફરી ઇમેઇલ અને વ્હોટ્સએપ મેસેજ કરી બીજા રૂ.19,450 ભરવા કહેતા કવિતાબેને તે રકમ નહીં ભરી અગાઉ જમા કરેલી રકમ પરત માંગતા તે વ્યક્તિએ લોન કેન્સલ કરવાના પણ રૂ.7500 ભરવા પડશે તેમ કહી 14 જુલાઈથી એક બે દિવસના અંતરે આજદિન સુધી ત્રણ મોબાઈલ નંબર પરથી સતત ફોન કરી પૈસા ભરવા દબાણ કર્યું હતું. આથી છેવટે કવિતાબેને ગતરોજ ડિંડોલી પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ ગઠિયા વિરુદ્ધ નોંધાવી હતી.

(5:36 pm IST)