Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

ભરૂચના સંસદસભ્ય મનસુખભાઈ વસાવાએ ૭ જેટલી ઈકોવાનને લીલીઝંડી ફરકાવી કરાવ્યું પ્રસ્થાન

અંદાજે રૂા.૩૨.૯૦ લાખના ખર્ચે સાગબારા તાલુકાના ૭ જેટલા સ્વ-સહાય જૂથોને નવી ૭ ઈકોવાન ફાળવાઇ

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લાના દૂરના અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોને ઘર આંગણે આવન જાવન સુવિધાઓનો લાભ મળી રહે અને મિશન મંગલમની બહેનો આત્મનિર્ભર બને તે હેતુસર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની દિન દયાળ અંત્યોદન યોજના ગ્રામીણ આજીવિકા મિશન અન્વયે સાગબારા તાલુકાના ૭ જેટલાં સ્વસહાય જૂથોને જિલ્લા આયોજન મંડળ તરફથી પ્રાપ્ત ૪૯ વિકાસશીલ તાલુકા જોગવાઈ હેઠળ વર્ષ ૨૦૧૮-૧૯ અંતર્ગત ભરૂચના સંસદસભ્ય મનસુખ ભાઈ વસાવા, પૂર્વ ધારાસભ્ય મોતિસિંહ વસાવા, જિલ્લા વિકાસ અધિકારી ડૉ.જીન્સી વિલીયમ,પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ મનજીભાઇ વસાવા, જિલ્લા લાઇવલી હુડ મેનેજર આદિત્ય મીણા સહિત મિશનમંગલમની બહેનોની ઉપસ્થિતિમાં આજે જિલ્લા પંચાયત ભવનના સંકુલ ખાતે રીબીન કાપીને અંદાજે રૂા.૩૨.૯૦ લાખના ખર્ચે નવી ૭ ઈકોવાનને લીલીઝંડી ફરકાવીને પ્રસ્થાન કરાવ્યું હતું.
  અત્રે ઉલ્લેખનિય છે કે, નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના યાહા મોગી સ્વ-સહાય જુથ, કબીર મહિલા મંડળ, નવદુર્ગા બચત મંડળ, દેવનંદન સખીમંડળ, ખુશી સ્વ-સહાય જુથ, હરિઓમ અને છાયા મિશન મંગલમના સ્વસહાય જુથોને ૪ અથવા ૫ ગ્રામપંચાયત દિઠ એક ઇકોવાન એમ કુલ ૭ ઇકોવાન આપવામાં આવી છે. તેમજ આ ઇકોવાન સાગબારા તાલુકાના ૭ જેટલાં રૂટમાં ફરશે. આ તકે ભરૂચના સંસદસભ્ય મનસુખભાઈ વસાવા સહિત ઉપસ્થિત મહાનુભાવોએ ઇકોવાનની ચાવી સ્વ- સહાય જુથની બહેનોને અર્પણ કરી હતી.
  આ પ્રસંગે ભરૂચના સંસદસભ્યશ્રી મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે,નર્મદા જિલ્લાની સખી મંડળની બહેનો માટે આજનો દિવસ ખૂબ જ આનંદનો દિવસ છે. સાચા અર્થમાં સાગબારા અને દેડીયાપાડાની બહેનો ધિરાણ આપવા સહિતના અનેક સુંદર કામો તેમની આગવીસુઝ બૂઝના આધારે કરી રહી છે. જે અન્ય જિલ્લાન લોકો માટે પ્રેરણારૂપ છે.જિલ્લા આયોજન મંડળની ગ્રાંટ તેમના માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે છે. અને જિલ્લાના દૂરના અંતરિયાળ વિસ્તારના લોકોને માટે ખૂબ જ ઉપયોગી હોવાનું તેમણે ઉમેર્યું હતું. તેની સાથોસાથ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ.જીન્સી વિલીયમ અને મિશનમંગલમના અધિકારીઓને આ તકે અભિનંદન પણ આપ્યા હતાં

(11:52 pm IST)