Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

આરોગ્ય કર્મચારીઓને ધરણાની મંજુરી નહિ : હડતાલનો પાંચમો દિ' : લડત ઉગ્ર બનાવાશે

સત્યાગ્રહની મંજુરી માટે કોર્ટમાં જવાની વિચારણા : સોમવારે નવા કાર્યક્રમો ઘડાશે : હડતાલથી ૧૫૦૦ આરોગ્ય કેન્દ્રોની રોજીંદી કામગીરીમાં વિક્ષેપ : સરકાર તરફથી હજુ મંત્રણા માટે તેડુ નહિ : હાલ કોરોનાની રસી લેવાથી કે આપવાથી દુર જ રહેવાનો હડતાલ પરના આરોગ્ય કર્મચારીઓનો નિર્ધાર

રાજકોટ તા. ૧૬ : ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના એલાન મુજબ પંચાયતોના આરોગ્ય કેન્દ્રોના આરોગ્ય વર્કસ, ફાર્માસીસ્ટ, લેબ. ટેકનિશ્યન સહિત ૬ કેડરના કર્મચારીઓનું આંદોલન આજે પાંચમાં દિવસમાં પ્રવેશ્યું છે. આજથી રસીકરણ અભિયાન પ્રારંભ થયો છે. હડતાલ પરના આરોગ્ય કર્મચારીઓએ ગાંધીનગરમાં ધરણા માટે માંગેલ મંજુરી સરકારે આપી નથી. આરોગ્ય કર્મચારીઓએ કોરોનાની રસી લેવાનો કે કોઇને રસી આપવાનો ઇન્કાર કર્યો છે.

આજે હડતાલનો પાંચમો દિવસ છે. આઉટ સોર્સીંગ અને અન્ય કર્મચારીઓની મદદથી સરકારે આરોગ્ય કેન્દ્રની કામગીરી ચલાવવાનો પ્રયાસ કર્યો છે છતાં રોજીંદી કામગીરીમાં હડતાલની વિપરીત અસર દેખાઇ રહી છે.

આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ કિરીટસિંહ ચાવડાના જણાવ્યા મુજબ સરકારે ધરણાની મંજુરીની ના પાડતા હવે આગળના કાર્યક્રમો વિચારાશે. હાલ રાજ્યના ૧૫૦૦ આરોગ્ય કેન્દ્રોના ૩૩ હજાર જેટલા આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર છે.

રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ એન.પી. ડઢાણિયાએ જણાવેલ કે સરકારે શાંતિપૂર્ણ ધરણાની મંજુરી ન આપતા હવે મંજુરી માટે અદાલતનો આશરો લેવાનું વિચાર્યુ છે. અમે રસીકરણના વિરોધી નથી. અમારા પ્રશ્નો ઉકેલાયા પછી કામગીરી કરશું

(11:47 am IST)