Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

નર્મદામાં કોરોના વેક્‍સીનેશનનો આરંભઃ રસી મૂકાવનારા પ્રથમ 5 વ્‍યકિત સ્‍વસ્‍થઃ અફવાથી દૂર રહેવા આપી સલાહ

રાજપીપળા: દેશવ્યાપી કોરોના વિરોધી રસીકરણનો 16મી જાન્યુઆરીએ સમગ્ર ભારત દેશમાં પ્રારંભ થયો છે. ગુજરાત સરકારના માજી વન મંત્રી શબ્દશરણ તડવીએ તિલકવાડા હેલ્થ સેન્ટર ખાતેથી અને રાષ્ટ્રીય આદિજાતિ આયોગના ડિરેકટર હર્ષદ વસાવાએ રાજપીપળા અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી રસીકરણનો દીપ પ્રાગટય કરી પ્રારંભ કરાવ્યો હતો.

નર્મદા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ.કે.પી.પટેલે જણાવ્યું કે, નર્મદા જિલ્લામાં વેક્સીનેશનના કુલ-5200 ડોઝ આપવામાં આવેલ છે. પ્રથમ તબક્કામાં ઓનલાઇન વેક્સીનેશન હેઠળ 4202 જેટલાં હેલ્થ વર્કરોની સાથે સંલગ્ન કર્મચારીઓના નામોની નોંધણી કરાઇ છે. આ તમામને આવરી લઇને 100 ટકા કામગીરી થાય તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે.

અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.વિપુલ ગામીતે જણાવ્યું કે, રાજપીપળા અર્બન હેલ્થ સેન્ટર ખાતે પ્રથમ દિવસે 100 અને તિલકવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 40 સહિત કુલ 140 જેટલાં લોકોને પ્રથમ દિવસે અગ્રતા ક્રમે રસી આપવામાં આવશે.

રાજપીપળા અર્બન હેલ્થ સેન્ટર ખાતે મહિલા આરોગ્ય કર્મી દક્ષાબેન વણકરે જિલ્લામાં કોરોના રસી મૂકવાની શરૂઆત કરી હતી.નર્મદા જિલ્લામાં કોરોના રસી મૂકાવનારા પ્રથમ વ્યક્તિમાં રાજપીપળા અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારી કિશોરભાઈ વસાવા, દ્વિતીય વ્યક્તિ IMA (ઇન્ડિયન મેડિકલ એસોસિએશન) નર્મદા જિલ્લા પ્રમુખ ડો.ગિરીશ આનંદ, ત્રીજા વ્યક્તિ રાજપીપળા અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડો.મેઘા દોશી, ચોથા વ્યક્તિ ડો.હિરેન્દ્ર વસાવા અને પાંચમા વ્યક્તિ જ્યોતિકાબેન ગોહિલ છે.

નર્મદા જિલ્લામાં પ્રથમ રસી મુકાવનારા કિશોર ભાઈ વસાવાએ જણાવ્યું કે, આ રસી મૂક્યા બાદ મને કોઈ જ પ્રકારનું રીએક્શન આવ્યું નથી. આફવાઓથી બિલકુલ ગભરાવવાની જરૂર નથી. કોરોના વાઈરસ સામે આ રસી કારગર સાબિત થશે. મારી જેમ અન્ય તમામ લોકો આ રસી મૂકાવશે તો ભારત દેશ કોરોના મુક્ત બનશે.

જ્યારે IMA નર્મદા જિલ્લા પ્રમુખ ડો.ગિરીશ આનંદે જણાવ્યું કે, આ રસી અસરકારક છે. દરેક વ્યક્તિ આ રસી લે અને દેશ તથા દુનિયાને કોરોના મહામારીથી બચાવે. મેં પણ રસી લીધી છે, મને કોઈ આડ અસર થઈ નથી હું બિલકુલ સ્વસ્થ છું.હું ભારત સરકાર અને આ રસી શોધનારા તમામ વૈજ્ઞાનિકોનો આભારી છું.

જ્યારે રાજપીપળા અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડો.મેઘા દોશીએ જણાવ્યું કે, એક ડોકટર તરીકે મેં પણ આ રસી મુકાવી નથી. એવી અફવાઓ છે કે, આ રસી સલામત નથી પણ હું ચોક્કસ કહીશ કે આ રસી 100% સલામત છે. વધુમાં વધુ લોકો આ રસી મુકાવી ભારત દેશને કોરોના મુક્ત બનાવવા સરકારને સહકાર આપે.

જે પણ આ રસી મુકાવશે એણે રસી મુકાવ્યાના 28 દિવસ બાદ બીજો ડોઝ લેવો ફરજીયાત છે, બીજો ડોઝ લીધા પછીના એક અઠવાડિયા બાદ કોરોના સામે લડવાની રોગ પ્રતિકારક શક્તિ વિકસિત થશે. રસીનો પેહલો ડોઝ લીધા પછી પણ માસ્ક પહેરવું, હાથ સેનિટાઈઝ કરવા અને એક બીજાથી 6 ફૂટનું અંતર રાખવું પડશે.

(4:46 pm IST)