Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

સોસાયટીના પ્રમુખના છોકરાને કારથી કચડી મારવાનો પ્રયાસ

ઘટના ઘરના સીસીટીવી વીડિયોમાં કેદ થઈ : રહીશોએ સોસાયટીના ડેવલપર સામે ગેરકાયદેસર જમીનનો કબજો કરવા બદલ કોર્ટમાં દાવો માંડેલો છે

સુરત,તા.૧૬ : સુરતના કામરેજમાં ઉત્તરાયણના આગલા દિવસે મેપલ વીલા સોસાયટીમાં એક રહીશે સોસાયટીના પ્રમુખના છોકરાને કારથી કચડી મારવાનો પ્રયાસ કર્યો છે. ઘટના ઘરના સીસીટીવી વીડિયોમાં કેદ થઈ છે. જોકે, મહત્ત્વનું છે કે પાડોશી સાથે સવારે થયેલી તકરાર બાદ સાંજે જ્યારે પરિવારનો દીકરો બ્લોકનું કામ કરવા રસ્તા પર ઊભો હતો ત્યારે પૂરપાટે કાર દોડાવી અને તેણે ઇરાદા પૂર્વક કારથી યુવકને કચડી મારવાનો પ્રયાસ કર્યો છે. મામલે પરિણીતાએ પાડોશી વિરુદ્ધ કામરેજ પોલીસ મથરકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી મીના બેન ઇટાલીયાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે સોસાયટીમાં રહેતા જતીન ડોબરિયાએ તકરાર બાદ ઇરાદા પૂર્વક તેમના સંતાન પર ગાડી ચઢાવી દીધી હતી.જોકે, મામલે પરિવારે દોડી જતા આરોપીએ ધમકી આપી હતી કે 'તારા ઘરવારા કહી દેજે બધુ સંકેલી લે અને આવું તો થશે જે થાય તે કરી લે' અકસ્માતમાં યુવકને ઇજા થઈ છે પરંતુ તેનો વીડિયો ખૂબ દિલધડક છે. જે સુરતના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના પતિ સુરેશભાઈ ઇટાલીયા સોસાયટીના પ્રમુખ છે. સોસયાટીના રહીશોએ સોસાયટીના ડેવલપર સામે ગેરકાયદેસર જમીનનો કબ્જો કરવા બદલ કોર્ટમાં દાવો માંડેલો છે. બાબતે જતીન ડોબરિયાએ ડેવલપરને સપોર્ટ કર્યો છે. શક્ય છે કે મામલાની અદાવત રાખીને તેણે આવું કર્યુ હોય. આરોપી ડોબરિયા ફરિયાદને છેલ્લા દોઢ વર્ષથી પરેશાન કરી રહ્યો હોવાનો આક્ષેપ પણ એફઆઈઆરમાં કરવામાં આવ્યો છે. જોકે, ઘટનામાં આક્ષેપ પ્રતિઆક્ષેપ સિવાય પણ મારૂતિ સુઝુકી બ્રેઝા દ્વારા ટક્કર મારવાનો જે વીડિયો સામે આવ્યો છે તે ખૂબ ખતરનાક છે. કાર કોણ ચલાવી રહ્યું હતું તે હવે પોલીસ તપાસનો વિષય છે પરંતુ પોલીસે મીનાબેન ઇટાલીયાની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(8:27 pm IST)