Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતી ૮ ટ્રેનને ૧૭ જાન્યુ.એ લીલીઝંડી

કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને વધુ એક ભેટ : સ્ટેશનની નવી ઇમારતોને સ્થાનિક-આધુનિક મુસાફરોની સુવિધાઓ ને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવી છે

ગાંધીનગર,તા.૧૬ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. ૧૭ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે દેશના વિવિધ પ્રદેશો સાથે કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતી ટ્રેનોને વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે. વડાપ્રધાન દ્વારા ગુજરાતમાં રેલવેને લગતા અન્ય કેટલાંક પ્રોજેકટસનું પણ પ્રસંગે ઉદ્ઘાટન કરાશે. પ્રસંગે કેવડિયા ખાતેથી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય રેલવે મંત્રી પીયૂષ ગોયલ પણ જોડાશે. વડાપ્રધાન દ્વારા ડભોઇ-ચાંદોદ રૂપાંતરિત બ્રોડ ગેજ રેલવે લાઈન, ચાંદોદ- કેવડિયા નવી  બ્રોડ ગેજ રેલવે લાઈન, પ્રતાપનગર- કેવડિયા નવા વિધુતીકરણ રેલ ખંડ તથા ડભોઇ, ચાંદોદ અને કેવડિયા સ્ટેશનોની નવી ઈમારતોનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

ઇમારતોને સ્થાનિક તેમજ આધુનિક મુસાફરોની સુવિધાઓ ને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કેવડિયા ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ ધરાવતું ભારતનું સૌપ્રથમ રેલ્વે સ્ટેશન છે. પ્રોજેક્ટસના નિર્માણ થકી નવી રોજગારી અને વ્યવસાયની તકો ઉપલબ્ધ થશે જેના પરિણામે નજીકના આદિવાસી વિસ્તારોમાં વિકાસની પ્રવૃત્તિઓને વેગ મળશે. નર્મદા નદીના કાંઠે મહત્વપૂર્ણ ધાર્મિક અને પ્રાચીન તીર્થ સ્થળો સાથે પણ ટ્રેનો જોડશે જેના લીધે ક્ષેત્રના સામાજિક-આર્થિક વિકાસ માટે પ્રેરક બની રેહશે અને સ્થાનિક-આંતરરાષ્ટ્રીય પર્યટનમાં પણ વધારો થશે. જનશતાબ્દી એક્સપ્રેસમાં નવીનતમ વિસ્ટા-ડોમ ટૂરિસ્ટ કોચ બનાવવામાં આવ્યો છે, જેમાં બેસીને પર્યટકો પ્રવાસમાં કુદરતી દ્રશ્યોનો નયનરમ્ય નજારો માણી શકશે.

(8:28 pm IST)