Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય સામે રાહુલ ગાંધી માફી માગે તેવા સુત્રોચાર સાથે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન

અમદાવાદ: આસામમાં રાહુલ ગાંધીએ ગુજરાતીઓ અંગે કરેલ નિવેદન સામે ભાજપના આગેવાનોએ રોષ વ્યક્ત કરીને કોંગ્રેસ કાર્યાલય બહાર વિરોધ દર્શાવી રાહુલ ગાંધી માફી માગે તેવા સુત્રોચાર કર્યા હતા

 રાહુલ ગાંધીએ આસામમાં એક રેલી દરમિયાન ગુજરાતીઓ અંગે કરેલા નિવેદનનો કોંગ્રેસ કાર્યાલય બહાર મોટી સંખ્યામાં ભાજપે વિરોધ પ્રદર્શન કર્યો હતો. અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય બહાર રાહુલ ગાંધીના નિવેદનનો ભાજપના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો અને સુત્રોચ્ચાર કર્યા હતા. ભાજપે સુત્રોચ્ચાર કરી રાહુલ ગાંધીને માફીની માંગ કરી હતી. વિરોધ કરતા ભાજપના કાર્યકરોએ જણાવ્યુ હતું કે જો રાહુલ ગાંધી માફી નહી માંગે તો આખા ગુજરાતમાં પ્રદર્શન કરવામાં આવશે. આ દરમિયાન ભાજપ-કોંગ્રેસના કાર્યકર આમને-સામને આવી ગયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોચીને મામલાને થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.

કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપના આઇકે જાડેજા સહિતના કાર્યકરો પહોચ્યા હતા અને રાહુલ ગાંધીના નિવેદનને લઇને વિરોધ નોંધાવ્યો હતો. મોટી સંખ્યામાં કાર્યકરોએ ભેગા થઇને રાહુલ ગાંધી માફી માંગે કોંગ્રેસ મુર્દાબાદના નારા લગાવ્યા હતા

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અસમમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે પહોચ્યા હતા. રાહુલ ગાંધીએ ચાના મજૂરોને લોભાવવાનો પ્રયાસ કર્યો હતો અને કહ્યુ કે, આસામમાં ચાના બગીચામાં મજૂરોને રોજના 167 રૂપિયા મળે છે જ્યારે મોદી સરકારમાં ગુજરાતના વેપારીઓને ચાના બગીચા જ મળી જાય છે. રાહુલ ગાંધીએ આ નિવેદન એવા સમયે આપ્યુ છે જ્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. રાહુલ ગાંધીના નિવેદન આસામથી ગુજરાત સુધીનું રાજકારણ ગરમાયુ હતું. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પ્રતિક્રિયા આપી હતી અને કહ્યુ હતું કે જનતા યોગ્ય જવાબ આપશે.

રાહુલ ગાંધીના નિવેદન પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પલટવાર કરતા કહ્યુ હતું, “રાહુલ ગાંધીના શબ્દો અને તેમની કોંગ્રેસ પાર્ટીની ગુજરાતીઓ પ્રત્યેની નફરતને બતાવે છે. ગુજરાત આવી ધૃણિત નફરતને સ્વીકાર નહી કરે, દરેક ગુજરાતી કોંગ્રેસ પાર્ટીને તેનો જવાબ આપશે.”

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે પણ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. સીઆર પાટિલે કહ્યુ, “રાહુલ ગાંધીના ગુજરાતીઓ માટે શરમજનક શબ્દ તેમની બીમાર માનસિકતા અને ગુજરાત માટે નફરતને દર્શાવે છે. આ પ્રથમ વખત નથી જ્યારે કોંગ્રેસે ગુજરાતનું અપમાન કર્યુ છે. આવનારા દિવસોમાં, ગુજરાતના લોકો આગામી ચૂંટણીમાં કોંગ્રેસને વ્યાપક રીતે હરાવશે.”

(9:08 pm IST)