Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

મુખ્યમંત્રી વિજય રૂપાણીને અઠવાડિયા સુધી હૉસ્પિટલમાં રહેવું પડી શકે છે

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન : નીતિન પટેલના કહેવા પ્રમાણે, મુખ્યમંત્રીને ૧૦૦ ડિગ્રીની આસપાસ તાવ હતો, તેઓ તાવની દવા પણ લેતા હતા

ગાંધીનગર,તા.૧૫ : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવવા મામલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ સંબોધી હતી. આ મામલે તેમણે જણાવ્યું હતું કે, તેમને અઠવાડિયા સુધી સારવારમાં રાખવામાં આવી શકે છે. નીતિન પટેલના જણાવ્યા પ્રમાણે યુએન મહેતા હાર્ટ હૉસ્પિટલ ખાતે જ તેમની કોરોનાના દર્દી તરીકે સારવાર ચાલશે. નીતિન પટેલના કહેવા પ્રમાણે, મુખ્યમંત્રીને ૧૦૦ ડિગ્રીની આસપાસ તાવ હતો. તેઓ તાવની દવા પણ લેતા હતા.

         રવિવારે વડોદરા ખાતે તેઓ ઢળી પડ્યા હતા તે અંગે ડૉક્ટરોનું માનવું છે કે સતત કામને લીધે થાક અને ઉજાગરાઓને લીધે આવું થયું હોવાની શક્યતા છે. તેમના અન્ય તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સંક્રમિત થવા પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને તેઓ ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી. અમિત શાહે ટ્વિટ કરીને લખ્યું છે કે, ગુજરાતના મુખ્યમંત્રી કોરોના સંક્રમિત થયાના સમાચાર જાણ્યાં. હું ઇશ્વરને પ્રાર્થના કરૂ છું કે, તેઓ ટૂંક સમયમાં સ્વસ્થ થઇ, આપણી વચ્ચે આવે અને પુનઃ જનકલ્યાણના કામોમાં સક્રિય થાય. પ્રાપ્ત માહિતી પ્રમાણે સીએમ વિજય રૂપાણી સાત દિવસ સુધી યુએન મહેતા હૉસ્પિટલ ખાતે સારવાર હેઠળ રહેશે. આ દરમિયાન તેમનો આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવશે તે બાદમાં જ તેમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. જે બાદમાં તેઓ પોતાના ઘરે પણ ક્વોરન્ટીન રહેશે. આ દરમિયાન અન્ય વ્યવસ્થા બરાબર રીતે ચાલે તે માટે તેઓ ટેલિફોનના માધ્યમથી સરકારના નેતાઓ અને અધિકારીઓના સંપર્કમાં રહેશે.

(7:07 pm IST)