Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

મુખ્યમંત્રીનો ચાર્જ કોઈને નહિં સોંપાય : નીતિન પટેલ

સેંકડો કાર્યકરો - લોકો વિજયભાઈની નજીક આવ્યા હોય તેને શોધીને ટેસ્ટ કરાવાઈ રહ્યો છે : ફોનથી સતત કોન્ટેકટમાં

રાજકોટ, તા. ૧૫ : વિજયભાઈને કોરોના પોઝીટીવ આવવાના પગલે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે આજે બપોરે પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું કે મુખ્યમંત્રીનો ચાર્જ અન્ય કોઈને સોંપવામાં નહિં આવે. વિજયભાઈની સારવાર કોરોના પ્રોટોકોલ પ્રમાણે કરાઈ રહી છે. વિજયભાઈનું ઓકિસજન લેવલ નોર્મલ છે. તેઓ ૧૪ દિવસ સુધી કવોરન્ટાઇન રહેશે.

કોરોનાના હળવા લક્ષણો છે અને દરરોજ બે ટાઈમ મુખ્યમંત્રી શ્રીનું ચેકઅપ કરાશે. સંભવતઃ એક અઠવાડીયા સુધી હોસ્પિટલમાં સારવાર કરાશે અને ત્યારબાદ ડોકટરને યોગ્ય જણાયે રજા અપાશે.

શ્રી રૂપાણીને અન્ય કોઈ બિમારી નથી. તેમને યુ.એન. મહેતા હોસ્પિ.માં સ્પેશ્યલ રૂમમાં સારવાર અપાઈ રહી છે. સતત બેઠકો, થાકને કારણે તેઓ ગઈરાત્રે જાહેર સભામાં ઢળી પડ્યા હતા. તેમના સંપર્કમાં આવેલ અનેક લોકોને શોધીને તમામનો કોરોના ટેસ્ટ થશે.

કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા અને ભીખુભાઈ દલસાણીયાને પણ કોરોના પોઝીટીવ છે. બંનેની તબિયત હાલ સારી છે તેમ નીતિનભાઈએ જણાવેલ.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવવા મામલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ સંબોધી હતી. આ મામલે તેમણે જણાવ્યું હતું કે, વિજયભાઈને અઠવાડિયા સુધી સારવારમાં રાખવામાં આવી શકે છે. નીતિન પટેલના જણાવ્યા પ્રમાણે યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલ ખાતે જ તેમની કોરોનાના દર્દી તરીકે સારવાર ચાલશે. મુખ્યમંત્રીને ૧૦૦ ડિગ્રીની આસપાસ તાવ હતો. તેઓ તાવની દવા પણ લેતા હતા. રવિવારે વડોદરા ખાતે તેઓ ઢળી પડ્યા હતા તે અંગે ડૉકટરોનું માનવું છે કે સતત કામને લીધે થાક અને ઉજાગરાઓને લીધે આવું થયું હોવાની શક્યતા છે. તેમના અન્ય તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે.

મુખ્યમંત્રી સાથેના કોઈ લોકો સંક્રમિત થયાની જાણકારી મળી નથી.

રવિવારે રાત્રે સીએમનું કોરોનાનું સેમ્પલ લેવામાં આવ્યું હતું, સોમવારે સવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

મુલાકાતીઓને હાલ સીએમને મળવા દેવામાં નહીં આવે. હૉસ્પિટલમાં કોરોનાનાં દર્દી તરીકે સારવાર ચાલશે.

એક અઠવાડિયા સુધી હૉસ્પિટલમાં રાખવામાં આવી શકે છે.

ડૉકટરોને બધુ બરાબર લાગે તે બાદમાં હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

યુ.એન. મહેતા હાર્ટ હૉસ્પિટલ ખાતે જ તેમની સારવાર આવશે.

રવિવારે ચક્કર આવી ગયા હતા, આ મામલે તમામ ટેસ્ટ સામાન્ય આવ્યા છે.

મુખ્યમંત્રીને ડાયાબિટિસ કે બીપીની કોઈ જ તકલીફ નથી.

મુખ્યમંત્રીનો ચાર્જ કોઈને પણ સોંપવામાં નહીં આવે. મુખ્યમંત્રી મોબાઇલ એપ મારફતે તમામ લોકોનાં સંપર્કમાં રહે છે.

(4:03 pm IST)