Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

કોરોનાથી સંક્રમિત વિજયભાઇના સંપર્કમાં આવનારને કોરેન્ટાઇન કરવા કોંગ્રેસની માંગ

વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખે રાજય ચૂંટણી પંચને આયોગને કોવિડ-૧૯ની ગાઇડલાઇનનું પાલન કરવા લખ્યો પત્ર

અમદાવાદઃ કોર્પોરેશનની ચૂંટણીના પ્રચાર માટે વડોદરા આવેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કોરોનાથી સંક્રમિત થતાં રાજીકીય મોરચે ચહલપહલ વધી ગઇ છે ત્યારે કોંગ્રેસ દ્વારા કોવિડ ૧૯ની ગાઇડલાઇનને ધ્યાનમાં લઇને મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલાઓને કવોરેન્ટાઇન કરવાની માંગણી કરવામાં આવી છે. આ મામલે રાજય ચૂંટણી પંચને એક પત્ર પણ લખ્યો છે.

વડોદરામાં મુખ્યમંત્રી જાહેરસભામાં સ્ટેજ પર જ ઢળી પડયા હતા. તેમની ત્રણ સભામાં ૧૧ વોર્ડના ઉમેદવારો, વોર્ડ લેવલના હોદેદારો, પૂર્વ મેયર તથા પૂર્વ હોદેદારો, ધારાસભ્યો, સંસદસભ્ય તથા શહેર પ્રમુખ સહિત સંગઠનના આગેવાનો સંપર્કમાં આવ્યા હતા.

વડોદરામાં તેમની તબિયત બગડયા બાદ અમદાવાદ ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં તેમનો કોરોના પોઝિટિવનો રીપોર્ટ આવતાં વડોદરા કોંગ્રેસના પ્રમુખ પ્રશાંત પટેલે રાજય ચૂંટણી આયોગને પત્ર લખીને જણાવ્યુ હતુ કે, કોરોનાની મહામારીની પરિસ્થિતિની ગંભીરતા ધ્યાનમાં લઇને મુખ્યમંત્રીના વડોદરામાં સંપર્કમાં આવેલાઓના તાત્કાલીક મેડિકલ ચેકઅપ કરીને કવોરેન્ટાઇન કરવા જોઇએ.

(10:54 am IST)