Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

વલસાડ પત્રકાર વેલફેર એસોસીએશન દ્વારા મીડિયા એવોર્ડ-૨૦૨૧ સમારંભ યોજાયો

પત્રકાર કાર્તિક બાવીશીએ સુરત રેન્જ એડી. ડીજી ડૉ. રાજકુમાર પાંડિયન ,જિલ્લા કલેકટર આર. આર.રાવલ તેમજ હર્ષદ આહિરે વલસાડ જિલ્લા પોલીસ વડાનું સન્માન કર્યુ હતું

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ પત્રકાર વેલફેર એસોસીએશન દ્વારા પત્રકાર એવોર્ડ સમારંભ સુરત એડીશનલ ડી.જી. ડૉ. રાજકુમાર પાંડીયન, જિલ્લા કલેકટર શ્રી આર.આર.રાવલ, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલા અને જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગરની ઉપસ્‍થિતિમાં યોજાયો હતો

 .આ અવસરે ડૉ. રાજકુમાર  પાંડીયને જણાવ્‍યું હતું કે, લોકશાહીમાં મીડીયાની અવગણના ના કરી શકાય. સ્‍વાતંત્ર્ય સંગ્રામમાં પણ મીડીયાનું મહત્ત્વનું યોગદાન રહયું છે. ભારતની લોકશાહીમાં પણ મીડીયાનો મહત્‍વનો ફાળો છે. સરકાર વિના વર્તમાનપત્રો અને વર્તમાનપત્રો વિના સરકાર શકય નથી. વહીવટીતંત્રના હકારાત્‍મક અને નકારાત્‍મક પાસાંઓ મીડીયા યોગ્‍ય સમયે રજૂ કરે તે જરૂરી છે. મીડીયાનો અભિગમ પ્રજાને ધ્‍યાને રાખીને હોવો જોઇએ તેમ જણાવ્‍યું હતું

 .વલસાડ કલેકટર આર.આર.રાવલે જણાવ્‍યું હતું કે, પત્રકારત્‍વએ સમાજનો એક ધર્મ છે. આજનો કાર્યક્રમ એ પત્રકાર અને જનકલ્‍યાણ એક થાય તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. પત્રકારત્‍વ યુગોથી ચાલ્‍યો આવ્‍યો છે. સમયાંતરે તેનું સ્‍વરૂપ બદલાયું છે. પત્રકારત્‍વ હકારાત્‍મક અને કર્તવ્‍યનિષ્‍ઠ હોવું જોઇએ. સામાજિક જવાબદારી નિભાવવાની જવાબદારી પત્રકારોની છે. સત્‍યની ખોજ સહી પણ સનસનીખેજ નહીં સત્‍યની ખોજ સામાજીક જવાબદારી છે. પત્રકારત્‍વની સાથે કર્તવ્‍ય પરાયણની સામાજિક જવાબદારી પ્રસ્‍થાપિત કરવા બદલ પત્રકાર વેલફેર એસોસીએશનને શુભેચ્‍છા પાઠવી હતી

 .જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગરે મીડીયાનું મહત્ત્વ સમજાવી તંત્રએ પ્રજા વચ્‍ચે સેતુરૂપ કામગીરી હોવાનું જણાવી શુભકામના પાઠવી હતી.આ કાર્યક્રમમાં વિવિધક્ષેત્રે નામના મેળવનારાઓ અને કોરોનાકાળમાં પોતાનું સામાજીક દાયિત્‍વ અદા કરનારી ચાલીસ જેટલી સંસ્‍થાઓનું પણ મહાનુભાવોના હસ્‍તે સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

 આ કાર્યક્રમના પ્રારંભે વલસાડ વેલફેર એસોસીએશનના પ્રમુખ શ્રી હર્ષદભાઇ આહિરે  સ્‍વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમનો હેતુ સમજાવ્‍યો હતો. ઉપરાંત એવોર્ડ સમારંભ યોજવાના વિચારને વાસ્તવિક બનાવવામાં સહભાગી બનેલા તમામ લોકોનો આભાર માન્યો હતો. અંતે આભાર વિધિ સેક્રેટરી અપૂર્વ પારેખે આટોપી જજ દિલીપસિંહ ક્ષત્રિય, દેવેન્દ્રસિંહ પાંજરોલીયા, પારુલ મહાદિક, શૈલેષ ત્રિવેદીનો આભાર માન્યો હતો.આ અવસરે મીડીયા જગતના કર્મીઓ અને નગરશ્રેષ્‍ઠીઓ હાજર રહયા હતા.
પ્રિન્ટ મીડિયા સ્ટોરીનાં એવોર્ડ જેમા આ અવસરે  પ્રિન્‍ટ અને ઇલેકટ્રોનિકસ મીડીયાને અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્‍યા હતી. જેમાં પ્રિન્ટ મીડિયામાં બેસ્‍ટ પોઝીટીવ સ્‍ટોરી "કાશ્મીરના રાજા હરિસિંહના લગ્ન ધરમપુર ધનવંત કુંવરબાઇ સાથે થયા હતા" માટે ધરમપુરના રફીક શેખને, અને "ચાલો નાના માણસની દિવાળી બનીએ, નાના માણસની મોટી વાત" માટે ધરમપુરના મહેશ ટંડેલને, બેસ્ટ હ્યુમન સ્ટોરી કેટેગરીમાં "કર્ણાટકના બે વેપારી લોકડાઉનને કારણે ૨૦ દિવસથી કારમાં જીવન વિતાવે છે" સ્ટોરી માટે વાપીના મિતેષ શાહને અને "કપરાડાના રોહિયાળજંગલમાં ૭૦ વર્ષથી એક જ બોર્ પર જીવન જીવતા લોકો માટે" કપરાડાના બાબુભાઈ ચૌધરીને એવોર્ડ આપવામાં આવ્યો હતો

 . બેસ્ટ ઈંપેક્ટ સ્ટોરી કેટેગરીમાં "વલસાડ ખાણ-ખનીજ વિભાગે ઉત્પાદનની રોયલ્ટી નો દર અડધો કરવો પડ્યો" સ્ટોરી માટે અપૂર્વ પારેખને અને "સત્યના સથવારે નિસહાય દંપતીને વતનમાં આશરો મળ્યો" સ્ટોરી માટે મયુર જોષીને એવોર્ડ એનાયત કરાયો હતો. બેસ્ટ પોલિટિકલ સ્ટોરી માટે "અહમદ પટેલ અને ભરતસિંહ સોલંકીની કોંગ્રેસ પરના વર્ચસ્વની લડાઈમાં ધારાસભ્યોનાં રાજીનામાં પડી રહ્યા છે" સ્ટોરી માટે પુણ્યપાલ શાહને અને "વલસાડ જિલ્લા ભાજપનો ભૂતકાળ અને વર્તમાન: જે પાયામાં હતા તે અત્યારે હાંસિયામાં છે સ્ટોરી માટે દિલીપભાઈ દેસાઈને એવોર્ડ આપવામાં આવ્યો હતો. બેસ્ટ ઇન્વેસ્ટિગેશન સ્ટોરી કેટેગરીમાં "વલસાડ નગરપાલિકામાં વધુ એક ડ્રેનેજ કનેક્શનનું મસમોટું કૌભાંડ" સ્ટોરી માટે ઉત્પલ દેસાઈને અને માધવી દેસાઈની સ્ટોરી માટે પુણ્યપાલ શાહની પસંદગી કરાઇ હતી. જ્યારે હટકે સ્ટોરી કેટેગરીમાં  "આને કહેવાય કરી આત્મનિર્ભરતા:  ખેતરમાં હળ સાથે બળદનાં બદલે મિત્રો જોડાયા"  સ્ટોરી માટે ફિરોજ સિંધીને  એવોર્ડ આપવામાં આવ્યો હતો.

 આ ઉપરાંત ફોટો સ્ટોરી કેટેગરીમાં વાપીના હિમાંશુ પંડ્યા, કેતન ભટ્ટ અને વલસાડના મેહુલ પટેલને એવોર્ડ આપવામાં આવ્યો હતો. જ્યારે ઇલેક્ટ્રોનિક મીડિયામાં બેસ્ટ પોઝિટિવ સ્ટોરી કેટેગરીમાં "મહિલાઓ મશરૂમમાંથી ખેતી કરીને થઈ પગભર" સ્ટોરી માટે તેજસ દેસાઈને, "વલસાડ જિલ્લામાં ડીઝીટલ બન્યું પારનેરા પારડી ગામ" સ્ટોરી માટે મયૂર જોષીને જ્યારે ઇમ્પેક્ટ સ્ટોરી કેટેગરીમાં "રસ્તાની દીવાલ ધરાશયી: તાત્કાલિક બનાવવાનું કામ શરૂ કરાયું" સ્ટોરી મટે તરુણ નાયકાને અને "ધરમપુરમાં લગ્નમાં નિયમના ધજાગરા: ગુનો દાખલ" સ્ટોરી માટે બ્રિજેશ શાહને એવોર્ડ આપવામાં આવ્યો હતો. જ્યારે બેસ્ટ હ્યુમન સ્ટોરી કેટેગરીમાં "કપરાડા તાલુકામાં પાણી માટે વલખા" સ્ટોરી માટે તેજસ દેસાઈ ને અને "પિતા પ્રેમ પહેલા પોલીસની ફરજ" સ્ટોરી માટે પ્રિયાંક પટેલને એવોર્ડ આપવામાં આવ્યો હતો.

ઇન્વેસ્ટિગેશન સ્ટોરી કેટેગરીમાં "રેલવે ગોદીમાં પાણીમાં પલળી અનાજનો બગાડ" સ્ટોરી માટે નીરવ પિત્રોડા અને વલસાડના "સરોધી ગામે રેતી કૌભાડ સ્ટોરી માટે અક્ષય કદમને, જ્યારે હટકે સ્ટોરી કેટેગરી મા વલસાડ મામલતદાર કચેરીમાં પાણીની સમસ્યા અંગે ની સ્ટોરી બનાવનારા બ્રિજેશ શાહને એવોર્ડ એનાયત કરાયો હતો. બેસ્ટ વીડિયો ફૂટેજમાં કોઈ એવોર્ડ લાયક સ્ટોરી ન મળતા આ કેટેગરી રદ કરવામાં આવી હતી. પ્રિન્ટ મિડિયાની સરખામણીએ ઈલેક્ટ્રોનિક મીડિયાની એન્ટ્રી ઓછી આવી હતી.તેમજ 181 અભયમ ટીમનું સુરત રેન્જ એડી. ડીજી ડૉ. રાજકુમાર પાંડિયન એ  સન્માન કર્યુ હતું

(1:37 pm IST)