Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

જીએસટીના અધિકારીઓ સામે વેપારીઓ નારાજ

વેપારીઓના માલ સાથે વાહનો પણ જપ્ત કરી લેવાય છે, વેપારીઓને ખોટી રીતે હેરાન કરાય છે, વાહનોમાં પણ ખાનાખરાબી

અમદાવાદ : જીએસટી અધિકારીઓ દ્વારા મોટા પ્રમાણમાં જીએસટી ચોરી અને બોગસ બીલીંગ કૌભાંડના પર્દાફાશ કરવામાં આવ્યા છે. પણ સાથોસાથ અધિકારીઓ દ્વારા વેપારીઓને ખોટી રીતે પરેશાન કરાતા હોવાની પણ વ્યાપક ફરીયાદો ઉઠી છે. અધિકારીઓ કોઈપણ શંકા કે બાતમીના આધારે માલ જપ્ત કરે છે ત્યારે જે તે માલ સાથેના વાહનો પણ જપ્ત કરીને લાંબા સમય સુધી પાર્કીંગમાં મૂકી રાખવામાં આવતા હોય છે. જેને કારણે વેપારીઓ અને ટ્રાન્સપોર્ટ એજન્સીઓના સંચાલકો પરેશાન થયા છે. આ બાબતે વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોએ ગાંધીનગર સુધી ફરીયાદ કરી છે. નારાજ વેપારીઓની ફરીયાદ છે કે જયારે કોઈ વેપારી પોતાની પરેશાની લઈને જીએસટીના અધિકારીઓ પાસે જાય ત્યારે સમય નથી અને અધિકારીઓ - કર્મચારીઓની અછત હોવાના બહાના કાઢી તેમને રવાના કરી દેવાતા હોય છે. જયારે વેપારીઓને પરેશાન કરવા તેમની ઓફીસે અથવા પેઢી ઉપર જઈને કલાકો સુધી બેસી રહેવા માટે અધિકારીઓ પુરતો સમય હોય છે તેવી વેપારીઓની ફરીયાદ છે.

જીએસટીનો અમલ શરૂ થયો ત્યારથી જ જીએસટી ભરતા વ્યાપારીઓની પરેશાની શરૂ થઈ ગઈ છે. જીએસટીના કાયદા વખતે જીએસટીનો વિરોધ કરતા વેપારીઓ જીએસટી ભરવા માટે તૈયાર છે. પરંતુ જીએસટી પોર્ટલ વારંવાર ઠપ્પ થઈ જવાથી વેપારીઓ પરેશાન છે. આટલુ ઓછું હોય તેમ છેલ્લા કેટલાક સમયથી અધિકારીઓ દ્વારા પણ વ્યાપારીઓને કનડગત કરવામાં આવી રહી છે. વેપારીઓની ફરીયાદ છે કે જીએસટીની વસૂલાત માટે કલાકો સુધી ઓફીસમાં અને પેઢી ઉપર બેસી રહેતા અધિકારીઓ અન્ય કોઈ વેપારી કે ગ્રાહકને સામે ગેરવર્તણુક પણ કરતા હોય છે. કેટલાક કિસ્સામાં તો અધ્કિારીઓ વેપારીઓના ઘરે પહોંચી ગયા હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી છે. તાજેતરમાં જ એક વેપારીને જીએસટીના અધિકારીઓ ૩૩ કલાક સુધી ગોંધી રાખી હોવાની ફરીયાદ છેક હાઈકોર્ટ સુધી પહોંચી હતી.

આટલુ ઓછુ હોય તેમ છેલ્લા કેટલાક સમયથી જીએસટીના અધિકારીઓ વેપારીઓનો માલ વાહન સાથે જપ્ત કરી લે છે અને લાંબા સમય સુધી માલ અને વાહન જીએસટીના પાર્કીંગમાં રહેતા હોવાથી માલ ખરાબ થઈ જવાની અને વાહનના માલિકને મોટુ નુકશાન થતુ હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી છે. પકડાયેલા માલનું વેરીફીકેશન, વેલ્યુએશન અને અન્ય તપાસ માટે અધિકારીઓ પૂરતો સ્ટાફ નહિં હોવાનું બહાનુ કાઢીને તપાસ મોડી કરી રહ્યા હોવાની પણ વેપારીઓની ફરીયાદ છે. (નવ ગુજરાત સમયમાંથી)

(3:57 pm IST)