Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

રાજ્‍યસભાની ચૂંટણીમાં ભાજપે સૌરાષ્‍ટ્ર અને ઉત્તર ગુજરાતને સાચવી લીધુઃ નરેન્‍દ્રભાઇ મોદીના બાળપણના મિત્રના પુત્ર રાજ્‍યસભાના ઉમેદવાર બન્‍યા

અમદાવાદઃ ગુજરાતમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલ અને ભાજપના નેતા અભય ભારદ્વાજના નિધનના પગલે ખાલી પડેલી બેઠક પર 1 માર્ચે રાજ્યસભાની ચૂંટણી યોજાશે. જેને. લઈ ભાજપે રાજ્યસભાના ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે દિનેશભાઈ પ્રજાપતિ અને રામભાઈ મોકરીયાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. ભાજપે રાજ્યસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને સાચવી લીધું છે.

મારૂતિ કુરિયરના રામભાઇ જશે રાજ્યસભા

મારૂતિ કુરિયરના રામભાઇ મોકરીયા હવે રાજ્યસભામાં જશે. પોરબંદરના નાના એવા ગામમાં ખેતી કરતા બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા રામભાઈ મોકરીયાના જીવનમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા. જો કે દરેક મુશ્કેલીનો સામનો કરી આગળ વધેલા રામભાઈની મારૂતી કુરિયર કંપની આજે ભારત સહિત વિદેશમાં પણ સર્વિસ પૂરી પાડે છે. એટલું નહીં 7000 લોકોને રોજગારીની સાથે આશરે 400 કરોડનું ટર્નઓવર પણ કરે છે.

રામભાઇ મોકરીયા મારૂતિ કુરિયરના માલિક અને ભાજપના જૂના કાર્યકર્તા છે. 2019ની લોકસભા ચૂંટણી માટે તેઓ પોરબંદર બેઠક પર પ્રબળ દાવેદાર હતા પણ તેમની પસંદગી થઇ નહતી. મારૂતિ કુરિયરની દેશભરમાં 2600થી વધુ ઓફિસ આવેલી છે. 22 દેશમાં તે કુરિયરની સર્વિસ આપે છે.

PM મોદીના બાળપણના મિત્રના પુત્ર બન્યા રાજ્યસભાના ઉમેદવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાળપણના મિત્રના પુત્ર દિનેશ પ્રજાપતિને ભાજપે રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા છે. દિનેશ પ્રજાપતિ (દિનેશ અનાવાડિયા) બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને ગુજરાત રાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના પૂર્વ ડિરેક્ટર રહી ચુક્યા છે.

મહત્વપૂર્ણ છે કે અહેમદ પટેલની 25 નવેમ્બરે અને 1 ડિસેમ્બરે અભય ભારદ્વાજના નિધનને કારણે રાજ્યસભાની બન્ને બેઠક ખાલી થઇ હતી. અહેમદ પટેલના નિધનથી ખાલી પડેલી બેઠકનો કાર્યકાળ 18 ઓગસ્ટ, 2023 અને અભય ભારદ્વાજના નિધનથી ખાલી થયેલી બેઠકનો કાર્યકાળ 21 જુલાઇ, 2026 સુધીનો હતો.

ફોર્મ ભરવાની અંતિમ તારીખ- 18 ફેબ્રુઆરી

ફોર્મ પરત ખેચવાની અંતિમ તારીખ- 22 ફેબ્રુઆરી

1 માર્ચ- સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી યોજાશે મતદાન

1 માર્ચ- સાંજે 5 વાગ્યા બાદ મતગણના થશે

(5:24 pm IST)