Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

વિજયભાઇ રૂપાણીના સંપર્કમાં આવેલા 9 નેતાઓના કોરોના ટેસ્‍ટ થયાઃ 6નો રિપોર્ટ નેગેટીવ આવતા ભાજપમાં રાહત

અમદાવાદ: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પ્રચાર અભિયાને વેગ પકડ્યો છે, ત્યારે ભાજપના સ્ટાર પ્રચારક તરીકે મુખ્યમંત્રી વિજય રૂપાણી વડોદરાની સભામાં ચક્કર આવ્યા બાદ સ્ટેજ પર ઢળી પડ્યા હતા. જે બાદ મુખ્યમંત્રીનો RT-PCR ટેસ્ટ કરવામાં આવતા તેઓનો રિપોર્ટ રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જે બાદ મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલા ભાજપના 9 નેતાઓએ પોતાના કોરોના ટેસ્ટ કરાવ્યા હતા.

કોરોના સંક્રમિત થવાના કારણે મુખ્યમંત્રી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રચાર નહીં કરી શકે. જો કે કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીની વડોદરામાં યોજાયેલી ત્રણ સભાઓમાં તેમની સાથે હાજર રહેલા નેતાઓ, ઉમેદવારો અને ભાજપના હોદ્દેદારોના પણ કોરોના ટેસ્ટ કરાવીને તેમને ક્વોરન્ટાઈન કરવાની માંગ કરવામાં આવી છે.

મુખ્યમંત્રીએ પણ પોતાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવા અંગે અપીલ કરી હતી. જેને પગલે મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલ 9 નેતાઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં મંત્રી યોગેશ પટેલ, પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ સહિત 6 લોકોના કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા ભાજપે રાહતનો શ્વાસ લીધો છે. જ્યારે મુખ્યમંત્રી સાથે મંચ પર રહેલા સાંસદ રંજનબેન ભટ્ટ અને પૂર્વ મેયર ડૉ જિગીશાબેન શેઠના RT-PCR ટેસ્ટના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. સિવાય વડોદરા શહેર ભાજપના અધ્યક્ષ ડૉ વિજય શાહે કોરોનાની રસી લીધેલી છે.

જણાવી દઈએ કે, તરસાલી, સંગમ ચાર રસ્તા અને નિઝામપુરાની સભામાં સેંકડો લોકો, નેતા અને 11 વોર્ડના 44 ઉમેદવારો ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં વડોદરા શહેરના સાંસદ રંજનબેન ભટ્ટ, શહેર પ્રમુખ વિજય શાહ, ધારાસભ્યો અને વોર્ડના ઉમેદવારો તથા હોદ્દેદારો સ્ટેજ પર મુખ્યમંત્રીની સાથે હતા. જેના કારણે કોરોના સંક્રમણ ફેલાવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

(5:24 pm IST)