Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણી પહેલા સુરત, દાહોદ, ભરૂચ અને મહેસાણામાં ભાજપના અનેક ઉમેદવારો બિનહરીફઃ કોંગ્રેસને ઝટકો

સુરત: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. રાજ્યની 6 મહાનગરપાલિકા માટે 21 ફેબ્રુઆરીએ મતદાન જ્યારે નગરપાલિકા-જિલ્લા અને તાલુકા પંચાયત માટે 28 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. ચૂંટણી પહેલા અનેક જગ્યાએ ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. સુરત, દાહોદ, ભરૂચ અને મહેસાણામાં ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે.

ઓલપાડની એક જીલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે. ઓલપાડ તાલુકાની એક જીલ્લા પંચાયતમાં પીંજરતમાં મોનાબેન નિમેષભાઇ રાઠોડ બીન હરિફ ચૂંટાયા છે.

જીલ્લા પંચાયત

પીંજરત-મોનાબેન નિમેષભાઈ રાઠોડ

તાલુકા પંચાયત

1) પીંજરત નિમીષાબેન રજનીકાંત પટેલ

2) ઓલપાડ -જયોત્સનાબેન કૌશિકભાઈ પટેલ

3) અરિયાણા -પ્રિયંકાબેન નિકુંજ પટેલ

4) દાંડી જયેશભાઈ મહાદેવભાઈ પટેલ

5) કદરામા જશુબેન વસાવા

ભરૂચ જીલ્લાની વાત કરીએ તો અંકલેશ્વર નગરસેવા સદનની ચૂંટણીનું પણ ચિત્ર સ્પષ્ટ થઇ ગયુ છે. નગરપાલિકાની 36 બેઠક પર 101 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે જેમાં કુલ 8 ઉમેદવારીપત્રો પાછા ખેચાયા હતા. નગરપાલિકાની 44 બેઠક પર 149 ઉમેદવાર ચૂંટણી લડશે. જેમાં BTPના 3, અપક્ષના 3, NCP-1 અને કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ પરત ખેચ્યુ હતું. વોર્ડ નંબર-3માં કોંગ્રેસના મંજૂલાબેન જારીયાએ ફોર્મ પરત ખેચ્યુ હતું.

વલસાડ તાલુકા પંચાયતની લીલાપોર બેઠક પર ભાજપ ઉમેદવાર બિનહરીફ થયા હતા. કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેચતા ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા.

દાહોદમાં લીમખેડા તાલુકામાં કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો હતો. લીમખેડા તાલુકા પંચાયતની પોલીસી મુજબ તાલુકા પંચાયત સીટ બિનહરીફ જાહેર થઇ હતી. કોંગ્રેસના ઉમેદવાર જેલાબેન મુનિયાએ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેચવામાં આવતા ભાજપના ઉમેદવાર બીનહરિફ થયા હતા.

દાહોદ જિલ્લાની ઝાલોદ નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપની જીત થઇ હતી. ભાજપ વોર્ડ નંબર-5માં ભાજપનો વિજય થયો હતો. હીરેન પટેલના નિધન બાદ બેઠક ખાલી થઇ હતી તે બાદ પુત્ર પંથ પટેલે વોર્ડ નંબર-5માં ફોર્મ ભર્યુ હતું. કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઇ વરસીંગભાઇ કટારાએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેચતા ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા હતા.

અમરેલીમાં પણ કોંગ્રેસનો વિરોધ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના કાંગરા ખરવાનું શરૂ થયુ હતું. વિપક્ષના નેતાના ગઢમાં અમરેલી શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ માધવીબેન જોશીએ રાજીનામું આપ્યુ હતું. નિષ્ઠાવાન કાર્યકરોની અવગણના થતા મહિલા કોંગ્રેસના પ્રમુખે રાજીનામું આપ્યુ હતું. કોંગ્રેસ પ્રમુખે પક્ષમાં સગાવાદ ચલાવીને પક્ષને નુકસાન કરાતો હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.

મહેસાણા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર-8ના કોંગ્રેસના બે ઉમેદવારે ફોર્મ પરત ખેચી ભાજપમાં જોડાયા હતા. જયંતિ પટેલ અને મુકેશ દેસાઈ નામના બે ઉમેદવાર ફોર્મ પરત ખેંચી ભાજપમાં જોડાયા હતા.

(5:26 pm IST)