Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

વડોદરામાં પોલીસના સ્વાંગમાં લોકોને ધમકાવી તેમજ ચોરીના ગુનાહમાં જેલમાં રહેલ આરોપી ફરાર થઇ જતા પોલીસ તપાસ હાથ ધરી

વડોદરા:પોલીસના સ્વાંગમાં લોકોને ધમકાવી રૃપિયા પડાવવાના તેમજ ચોરીના ગુનાઓમાં સામેલ અઠંગ આરોપીને આણંદ ટાઉન પોલીસ સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવી હતી. જે વહેલી  સવારે ચાર વાગ્યે જાપ્તાના પોલીસ જવાનોએ ચકમો  આપી ભાગી છૂટયો હતો. જે અંગે રાવપુરા પોલીસે  સ્ટેશન ડાયરી નોંધ કરી છે.

આજવા રોડ એકતાનગરમાં રહેતા બદરૃદ્દીન સૈયદ (ઉ.વ.૬૦)ને આણંદ ટાઉન પોલીસે ગુનાની તપાસ માટે પકડયો હતો. જેને છાતીમાં દુઃખાવો થતા આણંદ ટાઉન પોલીસ તેને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવી હતી. આજે વહેલી સવારે ચાર વાગ્યાના  અરસામાં તેને લઘુશંકા લાગતા પોતાના સગાને પોલીસ વાળાને બોલાવવા કહ્યું હતુ. સગાવહાલાએ બહાર જઈને જોયું તો કોઈ પોલીસ વાળા હાજર ન હતા. જેનો લાભ ઉઠાવીને હાથકડીમાંથી હાથ સેરવીને તે ભાગી ગયો હતો. એક કલાક પછી બદરૃદ્દીન ભાગી ગયાની જાણ થતાં આણંદ પોલીસ જવાનોએ દોડધામ કરી મૂકી હતી. પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આખો દિવસ શોધખોળ કરવા છતાંય બદરૃદ્દીનનો કોઈ પત્તો લાગ્યો ન હતો. પરંતુ આણંદ પોલીસે આ અંગે રાવપુરા પોલીસ સ્ટેશનમાં કોઈ સત્તાવાર નોંધ કરાવી ન હતી. પરંતુ રાવપુરા પોલીસે બદરૃદ્દીનને શોધવા માટે તેના ઘરે એકતાનગરમાં પણ તપાસ કરી હતી. પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. પોલીસે સયાજી હોસ્પિટલના સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી કરી હતી. આણંદ પોલીસે કોઈ સત્તાવાર નોંધ કરાવી ન હતી. અને આ મામલો પ્રકાશમાં આવતાં છેવટે રાવપુરા પોલીસે સ્ટેશન ડાયરીમાં નોંધ કરી છે.

(6:02 pm IST)