Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

વડોદરા નજીક ચિખોદ્રા નજીક પિતા-પુત્રએ મળી એનઆરઆઇની જમીન પચાવી પાડતા છેતરપિંડીની ફરિયાદ દાખલ

વડોદરા: નજીક ચીખોદ્રા ગામની એનઆરઆઇની જમીન પચાવી પાડી હોવાના આક્ષેપો સાથે તરસાલી વિસ્તારના પિતા અને પુત્ર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ થતા તપાસ શરૃ કરવામાં આવી છે.

આ અંગેની વિગત એવી છે કે અમેરિકા ખાતે સ્થાયી થઇ ગયેલા ગોવિંદભાઇ પટેલની ચીખોદ્રા ગામે  ૨૪૭૮૭ ચો.મી. ખેતીની જૂની શરતની જમીન આવેલી છે. ગોવિંદભાઇ પટેલનું વર્ષ-૨૦૧૩માં અમેરિકામાં જ અવસાન થયું હતું અને ત્યાર બાદ આ જમીન તેમના પુત્રો દેવેન્દ્ર તેમજ કલ્પેશ પટેલના નામે થઇ હતી. બંને ભાઇઓ પણ અમેરિકા સ્થાયી થયા છે અને ત્યાંના નાગરિક બની ગયા હોવાથી આ જમીનની દેખરેખ રાખવા માટે તેમણે કુલમુખત્યાર તરીકે બંકીમભાઇ પટેલને નિમ્યા છે.

ચીખોદ્રા ગામની જમીનની થોડા દિવસો પહેલા બંકીમભાઇ મુલાકાતે ગયા ત્યારે જમીનમાં પાકુ બાંધકામ કર્યુ હતું અને તેને ભાડે આપી દીધું હોવાનું જણાયું  હતું. આ અંગે જ્યારે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે આ જમીન તરસાલી વિસ્તારમાં રહેતા ગણેશ જયસ્વાલ  અને નેહલ જયસ્વાલે પચાવી પાડી છે. જૂની શરતની આ જમીનમાં બાંધકામ અંગે જ્યારે પિતા અને પુત્રને પૂછપરછ કરી ત્યારે બંનેએ ધમકી આપી હતી. ઉપરોક્ત વિગતો અંગે આખરે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી છે.

(6:03 pm IST)