Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ગોધરા કાંડ : ૧૯ વર્ષથી નાસતો ફરતો મુખ્ય આરોપી ઝડપાયો

ગોધરા ટ્રેન કાંડ ૨૦૦૨માં થયો હતો : એસઓજી તથા ગોધરા ટાઉન બી ડીવીઝન પોલીસ ટીમે તેના ઘરે જઈ તપાસ કરતા આરોપી મળી આવ્યો હતો

પંચમહાલ,તા.૧૬ : ગોધરા સાબરમતી રેલવે હત્યાંકાડના ગુનામાં ૧૯ વર્ષથી નાસતા ફરતા મુખ્ય આરોપીને ગોધરા એસઓજી બ્રાન્ચે તેના ગોધરા સ્થિત ઘરેથી ઝડપી પાડ્યો છે. ગોધરા સાબરમતી રેલવે હત્યાકાંડના ગુનાનો નાસતો ફરતો મુખ્ય આરોપી રફીક હુસેન ભટુક થોડા દિવસ અગાઉ તેના ઘરે આવીને છૂપાઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. જેના આધારે એસઓજી શાખાના તથા ગોધરા ટાઉન બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ટીમે તેના ઘરે જઈ તપાસ કરતા આરોપી મળી આવ્યો હતો. ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક દ્વારા હાલ વિવિધ ગુનામાં નાસતા ફરતા આરોપી પકડી કાર્યવાહી કરવા ખાસ ડ્રાઇવ યોજવામાં આવી છે. સુચના અન્વયે પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલે નાસતા ફરતા આરોપીઓને પકડી લેવા સંલગ્ન પોલીસ મથકો અને શાખાને ખાસ સૂચના આપી છે. જે અન્વયે ગોધરા એસઓજી પીઆઇ એમપી પંડયા અને ટીમે પણ કાર્યવાહી શરૂ કરી છે.

            દરમિયાન એસઓજી  પીઆઇને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે સાબરમતી રેલવેકાંડના ગોધરા રેલવે પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં ૧૯ વર્ષથી નાસતો ફરતો આરોપી રફીક ભટુક તેના ઘરે આવ્યો છે. જે બાદમાં એસઓજી અને ગોધરા બી ડીવીઝન પોલીસ ટીમ દ્વારા ગોધરા સાબરમતી રેલવે હત્યાકાંડના ગુનામાં નાસતો ફરતો મુખ્ય આરોપી રફીક હુસેન ભટુક (રહે. મોહમદી મહોલ્લા, સુલતાન ફળીયા)ની બાતમીના સ્થળે તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન રફીક હુસેન ભટુક તેના ઘરેથી મળી આવ્યો હતો. પોલીસે તેને પકડી તેના પાસેથી પોલીસે એક મોબાઇલ અને ચૂંટણીકાર્ડ સીઆરપીસીની કલમ ૧૦૨ મુજબ કબ્જે લઈ ગુનાના અંગે વધુ કાર્યવાહી માટે ગોધરા ટાઉન બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે. વર્ષ ૨૦૦૨માં ગોધરા રેલવે સ્ટેશન પાસે સર્જાયેલા સાબરમતી ટ્રેન હત્યાકાંડના રેલવે પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં રફીક હુસેન ભટુકનો પણ સમાવેશ થતો હતો. રફીક ધરપકડ ટાળવા ઘરેથી ભાગી છૂટ્યો હતો અને દિલ્હીમાં જઈ ફેકટરીમાં કે અન્ય સ્થળે છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જણાય આવ્યું છે. સાબરમતી ટ્રેન હત્યાકાંડના ગુનામાં હજી સાત આરોપીઓ વૉન્ટેડ છે. જે પૈકી ચાર આરોપીના ટૂંકા અને અડધા નામ છે. જ્યારે બે આરોપીઓ સામે તેઓ પાકિસ્તાન કે અન્ય સ્થળે ભાગી ગયા હોવાની શક્યતાઓ વચ્ચે રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી છે. જેમાં ગોધરાના શોકત ચરખા અને સલીમ પાનવાલાનો સમાવેશ થાય છે.

(8:17 pm IST)