Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ગુજરાતના પુર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્‍યા કેસમાં સંડોવાયેલ અને પેરોલ પર છુટીને નાસી જનાર આરોપી અમદાવાદના જુહાપુરામાંથી ઝડપાયો

આજીવન કેદની સજા પામ્‍યા બાદ ૭૦ દિવસના પેરોલ મંજુર કરાવી ફરી હાજર થયો નહોતો

અમદાવાદ: અમદાવાદમાં પૂર્વ ગૃહમંત્રી હરેન પંડયા હત્‍યા કેસમાં આજીવન કેદની સજા ભોગવનાર અને પેટ્રોલ પર છુટેલ હાજર નહિ થતા આરોપીને પોલીસે અમદાવાદમાંથી ઝડપી લીધો છે.

વર્ષ 2003 દરમિયાન રાજ્યના ગ્રહમંત્રી હરેન પંડયાની ગોળી મારીને હત્યા કરાઈ હતી. હત્યા કાવતરાપૂર્વક કરાઈ હતી. વર્ષ 2002ના રમખાણોનો બદલો લેવા માટે કેટલાક ઈસમોએ સમગ્ર બનાવને અંજામ આપ્યો હતો. આ કાવતરામાં સામેલ અને આજીવન કેદની સજા કાપતો કલીમ અહેમદ કરીમીની 70 દિવસની પેરોલ કોર્ટે શરતોને આધીન મંજુર કરી હતી. પેરોલ મંજુર કરાયા બાદ તેનો સમયગાળો પૂર્ણ થયા બાદ આરોપીપોલીસ સમક્ષ હાજર થયો ન હતો અને નાસ્તો ફરતો હતો. જેથી શહેર પોલીસ દ્વારા તેને ઝડપી લેવા કામગીરી ચાલુ કરાઈ હતી. આ દરમિયાન ગુજરાત એટીએસની ટીમને બાતમી મળી હતી કે , કલિમ અહેમદ આજે મંગળવારની સાંજે જુહાપુરા વિસ્તારમા આવવાનો છે.

બાતમીના આધારે ગુજરાત એટીએસના અધિકારીઓ જુહાપુરા વિસ્તારમાં વોચ ગોઠવીને ઉભા હતા તેજ સમયે કલીમ અહેમદ ત્યાં આવતા અધિકારીઓએ તેને દબોચી લઈને એટીએસના હેડ કવોટર્સ ખાતે લઇ ગયા હતા. જ્યાં તેની સામે પેરોલના નિયમોને ભંગ કરીને ફરાર થવાના ગુનામાં પુછપરછ હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે , રાજ્યના ગ્રહમંત્રી હરેન પંડ્યાની હત્યામાં સામેલ આવા ગંભીર પ્રકારના ગુનાનો આરોપી કેવી રીતે ફરાર થયો? કોણે તેની મદદ કરી ? ક્યાં ક્યાં જઈને છુપાયો ? જેવા સવાલોના જવાબ મેળવવા માટે એટીએસના ઉચ્ચ અધિકારીઓએ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

(10:19 pm IST)