Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

કોરોના મહામારી વચ્ચે હવે કોંગ્રેસ દર્દીઓના વહારેઃ અમદાવાદમાં ૫૦ બેડનું કોવિડ સેન્ટર બનાવવા અમિત ચાવડાઍ કમિશનર પાસે મંજૂરી માંગી

અમદાવાદ: કોગ્રેસ કાર્યાલયને કોવિડ કેર સેન્ટરમાં ફેરવવા માટે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ માંગ કરી છે. અમિત ચાવડાએ પાલડી ખાતે આવેલ કોંગ્રેસ ભવનમાં ૫૦ બેડના કોવિડ કેર સેન્ટર બનાવવાની મંજૂરી માંગવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારને પત્ર લખ્યો છે. આ કોવિડ કેર સેન્ટર માટે તમામ તબીબો, નર્સિંગ સ્ટાફ અને પેરામેડિકલ સ્ટાફ તેમજ અન્ય સુવિધાઓ કોંગ્રેસ પક્ષ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારને લખેલા લેટરમાં જણાવ્યું છે કે, હાલમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના સંક્રમણની સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. કોરોના ગ્રસ્ત દર્દીઓ અને તેમના સ્વજનોને તબીબી સેવાઓ મેળવવા માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. હોસ્પિટલોમાં બેડ, દવાઓ તેમજ ઓક્સિજન વગેરેની ભારે અછત સર્જાઇ રહી છે.

આવા સંજોગોમાં હંમેશા પ્રજાના પડખે રહેવાની નીતિને અનુરૂપ કોંગ્રેસ પક્ષ પ્રજાને સહાય કરવા તત્પર છે. આ સંદર્ભે અમદાવાદ પાલડી ખાતે આવેલ કોંગ્રેસ કાર્યાલય, રાજીવ ગાંધી ભવન ખાતે 50 બેડનું કોવિડ સેન્ટર ઉભુ કરવા માંગીએ છીએ. આ માટે જરૂરી તમામ તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ તેમજ અન્ય સુવિધાઓ કોંગ્રેસ તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

(4:53 pm IST)