Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

સુરત સિવિલ સિક્યુરિટી સ્ટાફની ઇમાનદારીનું ઉત્તમ ઉદાહરણ :1.50 કરોડની કિંમતી ચીજ વસ્તુઓ મૂળમાલિકને પરત સોંપ્યા

કોવિડની સારવાર સમયે કે દર્દીના મૃત્યુ સમયે દર્દીના દાગીના કે મોબાઈલ ફોન સહિતની કિંમતી ચીજ વસ્તુઓ સાચવવાની જવાબદારી નિભાવતા સિક્યુરિટી સ્ટાફની કાબિલેદાદ પ્રામાણિકતા

સુરતની કોવિડ હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફ દ્વારા અત્યાર સુધીમાં કોવિડ મૃતકોના પરિજનોને 1.50 કરોડની કિંમતી ચીજ વસ્તુઓ પરત સોંપી છે. એક તરફ દર્દીઓની ચીજવસ્તુઓ ચોરાઈ જતી હોવાની બુમો છે. બીજી તરફ સિક્યુરિટી સ્ટાફે એક કરતાં વધુ ઘટનાઓમાં પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કોવિડ 19 હોસ્પિટલમાં છેલ્લા એક સવા વર્ષમાં હજારો લોકોએ કોવિડની સારવાર લીધી છે. અનેક દર્દીઓના કમનસીબે મોત પણ થયા છે. કોવિડની સારવાર સમયે કે, દર્દીના મૃત્યુ સમયે દર્દીના કોઈ સગાઓ સ્વજનો તેમની પાસે હોતા નથી. આવા સંજોગોમાં દર્દીએ પહેરેલા દાગીના કે મોબાઈલ ફોન સહિતની કિંમતી ચીજ વસ્તુઓ સાચવવાની અને તેને જે તે દર્દીઓના સ્વજનોને સલામત રીતે સોંપવાની જવાબદારી સિક્યુરિટી સ્ટાફ ઉપર આવી જાય છે. સુરતની સિવિલ કેમ્પસમાં આવેલી કોવિડ 19 હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફે અત્યાર સુધીમાં અંદાજે 1.5 કરોડની કિંમતી જણસો જે તે પરિવારને સોંપી છે. એક સમયે સિવિલ હોસ્પિટલના કોવિડ દર્દીના મોબાઈલ ચોરાયાની ઘટના બની હતી. જો કે તે ઘટનામાં ચોર પણ પકડાઈ ગયો હતો. 

પ્રકાશ દવેના પત્ની શીતલ બેન જ્યારે કોવિડ પેશન્ટ તરીકે દાખલ થયા. ત્યારે તેમણે સોનાના કંગન, બુટ્ટી વેગેરે પહેર્યા હતા. જ્યારે તેમના પતિ સહિત કોઈને ખ્યાલ ન હતો કે, શીતલબેને સોનાના દાગીના પહેર્યા છે. બીજી તરફ કમનસીબે શીતલ બેનનું મૃત્યુ થયું હતું. પરિજનોએએ કોવિડ ગાઈડલાઈન મુજબ અંતિમવિધિ કરી દીધી હતી અને દાગીનાની વાત પરિજનોને ધ્યાને આવી નહોતી. જો કે સિવિલ કેમ્પસની કોવિડ 19 હોસ્પિટલના સિકયીરિટી ચીફ હિરેન ગાંધીએ શિતલ બેનના પરિવારજનોને બોલાવી આ તમામ દાગીના સુપરત કર્યા હતા.

(10:21 am IST)