Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

પિતા, પુત્ર તેમજ પુત્રવધૂનું કોરોના વાયરસથી મોત થયું

બારડોલીના પટેલ પરિવારમાં બનેલી કરૂણ ઘટના : કોરોનાએ પરિવારનો માળો વિંખ્યો, પહેલા પુત્રવધૂ અને પછી પિતા-પુત્રનું મોત, બે બાળકોએ છત્રછાયા ગુમાવી

સુરત,તા.૧૬ : કોરોનાની બીજી લહેરમાં આખેઆખા પરિવાર કોરોનાથી સંક્રમિત થયા છે તો કેટલાક પરિવારોમાં તો મોટાભાગના સભ્યો કોરોનાથી મૃત્યુ પામતા આખો પરિવાર વિખેરાયો છે. ત્યારે બારડોલીમાં પણ કોરોનાથી એક જ પરિવારના ત્રણ સભ્યોનું કોરોનાથી મોત થતાં આખો પરિવાર વેરવિખેર થઈ ગયો. મીડિયા રિપોર્ટ મુજબ અહીં પટેલ પરિવારમાં પિતા-પુત્ર અને પુત્રવધૂનું કોરોનાથી મોત નીપજ્યું છે. જેથી હવે ઘરમાં દાદી અને બે પૌત્ર જ રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ બારડોલીના પટેલ પરિવારના ત્રણ લોકોને આઠ દિવસમાં કોરોના ભરખી જતા શોકની કાલિમાં છવાઈ ગઈ છે. પહેલાં પુત્રવધૂ અને બાદમાં પિતા-પુત્રનું કોરોનાથી મોત થતા બે બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગૂમાવી દીધી છે. પ્રાપ્ત માહિતી મુજબ બારડોલીની હૂડકો સોસાયટી પાસે આવેલી બજરંગવાડીમાં રહેતા બાબુભાઇ પટેલ તેમની પત્ની, પુત્ર મનિષકુમાર, પુત્રવધૂ પૂર્વીબેન તેમજ બે પૌત્રો વર્ષીલ અને દેવાંશુ સાથે રહેતા હતા.

            કોરોનાનું સંક્રમણ હોવાથી આ પરિવાર પર ઝપેટમાં આવી ગયો હતો. સૌપ્રથમ પુત્રવધૂ પૂર્વી અને પિતા બાબુભાઈ પટેલને કોરોના થયો હતો, અને બાદમાં પુત્ર મનિષ કોરોનાની ચપેટમાં આવતા તેમને અલગ અલગ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ૩ મેના રોજ પૂર્વીનું મોત નીપજ્યું અને ૧૦મીની સવારે બાબુભાઈ પટેલે જ્યારે રાત્રે પુત્ર મનિષનું પણ મોત થતાં બારડોલીની સહકારી, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મીડિયા રિપોર્ટ મુજબ મૃતક બાબુભાઇ પટેલ બારડોલીની જે.એમ.પટેલ હાઈસ્કૂલના મંત્રી ઉપરાંત ગોવિંદાશ્રમ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ફરજ બજાવતા હતા. આ ઉપરાંત બારડોલીની પ્રતિસ્થિત ગણાતી ધી બારડોલી નાગરિક સહકારી બેક્નના વાઈસ ચેરમેન પણ રહ્યા હતા. તેમજ કાછિયા પાટીદાર સમાજમાં પણ તેઓ ઉચ્ચ સ્થાન ધરાવતા હતા. આ ઉપરાંત તેમનો પુત્ર અને પુત્રવધૂ બારડોલીના સ્ટેશન વિસ્તારમાં પતંજલિ સ્ટોર ચલાવતા હતા. ત્રણેયના મોતથી આખો પરિવાર વિખેરાઈ ગયો છે.

(7:42 pm IST)