Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

સુરતના ડોનેટ લાઈફ દ્વારા હ્રદયદાનની 33મી ઘટના : કુલ 888 અંગનું દાન મેળવી 816 વ્યક્તિને આપ્યું નવું જીવન

સુરતથી મુંબઈનું 300 કિ.મીનું અંતર 92 મિનિટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું

સુરત : શ્રી વિશા ઓસવાળ જૈન સમાજના દિનેશભાઈ મોહનલાલ છાજેડના પરિવારે તેમના હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી છે અને સમાજને નવી દિશા બતાવી છે. સુરતથી મુંબઈનું 300 કિ.મીનું અંતર 92 મિનિટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ નવી મુંબઈના રહેવાસી 30 વર્ષીય વ્યક્તિમાં સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં કરવામાં આવ્યું.

ત્યારે સુરતની એપલ હોસ્પિટલથી અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ સુધીનું 274 કિલોમીટર રોડ માર્ગનું અંતર 180 મિનિટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની રહેવાસી 47 વર્ષીય મહિલામાં અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી 43 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં તથા બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની IKDRC હોસ્પિટલમાં સુરતની 17 વર્ષીય વિદ્યાર્થીનીમાં કરવામાં આવી રહ્યું છે.

હ્રદય, કિડની અને લિવર સમયસર મુંબઈ અને અમદાવાદ પહોંચાડવા માટે બે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા. જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો. સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 386 કિડની, 159 લિવર, 8 પેન્ક્રીઆસ, 33 હૃદય, 14 ફેફસાં અને 290 ચક્ષુઓ મળી કુલ 888 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને 816 વ્યક્તિઓને નવું જીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે. ડોનેટ લાઈફ તેમજ આ પરિવારે અને તેમના આ પવિત્ર કાર્ય થકી સમાજને ઉમદા ઉદાહરણ પૂરું પાડયું છે

(9:12 pm IST)